Gujarat News:આગામી 12 ડિસેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે, અને સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે.
આ ત્રણ વર્ષોમાં જાહેર કરવામાં આવેલી વિવિધ લોકકેન્દ્રિત નીતિઓએ રાજ્યને બહુવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે G-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની (Vibrant Gujarat Summit) સફળતાને વધુ વ્યાપક બનાવવા અને રાજ્યની પ્રાદેશિક ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશોમાં (ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર) વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સ સ્થાનિક મહત્વાકાંક્ષાઓને ‘વિકસિત ભારત @2047’ અને ‘વિકસિત ગુજરાત @2047’ના વ્યાપક વિઝન સાથે સંરેખિત કરશે.
વર્ષ 2025માં ઘટેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની ગંભીર પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ, ઝડપી અને અસરકારક નેતૃત્વનો પણ પરિચય આપ્યો છે. રાજ્યની તમામ એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરીને રેસ્ક્યુ ઓપરેશન, સારવાર, સહાય અને સુચારુ સંકલન વડે ગુજરાતે તેમના નેતૃત્વમાં સંકટ વ્યવસ્થાપનનો એક અનુપમ દાખલો પૂરો પાડ્યો છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે, જે રાજ્યના શહેરોને વિશ્વ સ્તરીય, આધુનિક, હરિત, ટેક્નોલોજી આધારિત અને સુવિધાસભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ ત્રણ વર્ષો દરમિયાન રમત-ગમત ક્ષેત્રે પણ ગુજરાતે વૈશ્વિક મંચ પર ગૌરવ મેળવ્યું છે. ગુજરાતમાં વિકસિત કરવામાં આવેલ આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યના ખેલાડીઓ માટે સતત વિકસતી સુવિધાઓ અને રાજ્ય સરકારનો સહયોગ, ખેલાડીઓને અનુકૂળ સ્પોર્ટ્સ પૉલિસીને વગેરેના કારણે ગુજરાતને કૉમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં નવી ઉંચાઈઓ હાંસલ કરી છે. ગુજરાત આજે સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ એનર્જી હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત વડાપ્રધાનના “વિકસિત ભારત @2047”ના વિઝનને સાકાર કરવા માટે દૃઢપણે આગળ વધી રહ્યું છે. ત્રણ વર્ષના આ વિકાસ યજ્ઞએ ગુજરાતને નવી આશાઓ, નવી સંભાવનાઓ આપી છે અને વૈશ્વિક સ્તરે રાજ્યની ઓળખ વધુ મજબૂત બની છે.
3 વર્ષ કૃષિ કલ્યાણનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
રાજ્ય સરકાર (State Government) ખેડૂતોના કલ્યાણ માટે સતત પગલાં ભરી રહી છે, જેમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 16,899 ગામોમાં 19.48 લાખ ગ્રાહકોને નિયમિત દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારે વરસાદને કારણે થયેલા પાક નુકસાનના પ્રતિભાવરૂપે ₹947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 23 ઓક્ટોબરથી 4 નવેમ્બર 2025 દરમિયાન પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા વિશાળ નુકસાનને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક મોટું ₹10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, જેમાંથી લગભગ 33 લાખ ખેડૂતોને લાભ મળશે. સાથે જ પાક નુકસાનની સ્થિતિમાં ખેડૂતોને ટેકો આપવા માટે રાજ્ય સરકારે ₹15 હજાર કરોડની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે, જેના કારણે 10 લાખથી વધુ ખેડૂતોને સીધો ફાયદો થશે. ઉપરાંત, છેલ્લા ત્રણ વર્ષમાં શૂન્ય ટકાના વ્યાજ દરે પાક ધિરાણ યોજનાના અંતર્ગત 33 લાખથી વધુ ખેડૂતોને કુલ ₹3030.34 કરોડથી વધુની વ્યાજ સહાય આપવામાં આવી છે.
3 વર્ષ મહિલા સશક્તિકરણનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રબળ પ્રયાસો કરી રહી છે. હાલમાં રાજ્યમાં લખપતિ સ્ત્રીની સંખ્યા 5 લાખ 96 હજાર થઈ ગઈ છે, અને સરકારનો લક્ષ્ય છે 10 લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું. નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-2024 જાહેર કરવામાં આવી છે. વર્ષ 2023માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ ₹1 લાખ કરોડને પાર પહોંચ્યું અને 200થી વધુ યોજનાઓ માત્ર મહિલાઓ માટે જ લક્ષ્યિત કરવામાં આવી હતી. વર્ષ 2024-25માં, આ બજેટમાં મહિલા સશક્તિકરણ માટે કુલ 804 યોજનાઓ આવરી લેવામાં આવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ વાર્ષિક સરેરાશ 4 લાખથી વધુ ગર્ભવતી અને ધાત્રી માતાઓને લાભ મળે છે. વધુમાં, માર્ચ 2025માં અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય આપવા માટે ‘જી-સફલ’ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલીઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહુડ્સ) યોજના લોન્ચ કરવામાં આવી છે.
3 વર્ષ આરોગ્ય કલ્યાણનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
ગુજરાતમાં આરોગ્યસેવાઓને મજબૂત કરવા માટે રાજ્ય સરકારે અનેક મહત્ત્વપૂર્ણ પહેલો હાથ ધર્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ₹5 લાખની આરોગ્ય સહાય હવે ₹10 લાખ સુધી વધારવામાં આવી છે. રાજ્ય શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પ્રદાન કરનાર દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે, જેમાં અત્યાર સુધીમાં 1.15 કરોડ કાર્ડ જારી થયા છે. મુખ્ય આરોગ્ય સૂચકાંકોમાં પણ નોંધપાત્ર સુધારા નોંધાયા છે, જેમાં માતા મૃત્યુ દરમાં 50% અને બાળમૃત્યુ દરમાં 57.41% ની ઘટ આવી છે. નમો શ્રી યોજના હેઠળ એક વર્ષમાં 3.88 લાખ માતાઓને ₹238.77 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. ઉપરાંત, રાજ્યએ 465 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કર્યાં છે, જે દેશમાં પ્રથમ નોંધણી છે. “વર્લ્ડ ઓબેસિટી ડે” ના અવસર પર “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાનની શરૂઆત કરવામાં આવી, તેમજ આદિજાતિ વિસ્તારોના નાગરિકોના આરોગ્ય માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ લોન્ચ કરી દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
3 વર્ષ શિક્ષણ થકી સર્વાંગી વિકાસનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કરતા મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ અંતર્ગત 13,353 નવા વર્ગખંડો, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સ, 1,09,000 સ્માર્ટ ક્લાસરૂમ્સ અને 5000 સ્ટેમ લેબ્સનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. વર્ષ 2025માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 23મી કડીનું સફળ આયોજન થયું છે, જે વિદ્યાર્થી પ્રવેશ અને કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સંભવિત ડ્રોપઆઉટ થવાની શક્યતા ઘટાડવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) અમલમાં મૂકવામાં આવી છે, જે સમયસર હસ્તક્ષેપ કરી વિદ્યાર્થીઓને શાળામાં જાળવવામાં મદદરૂપ બને છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ 42 લાખથી વધુ બાળકોને પૌષ્ટિક આહારનો સતત લાભ મળી રહ્યો છે. સાથે જ, નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹1000 કરોડથી વધુની આર્થિક સહાય તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹161 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જે રાજ્યના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વના પગલા છે.
3 વર્ષ આદિજાતિ કલ્યાણનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
રાજ્ય સરકાર દ્વારા આદિવાસીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં ₹746 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ 15 નવેમ્બર, 2025ના રોજ જનજાતીય ગૌરવ દિવસના અવસર પર નવી જનજાતીય કલ્યાણ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ યુવા વિકાસ અને જનવિશ્વાસ મજબૂત બનાવવા માટે રાજ્ય સતત કાર્યરત રહ્યું છે. રમતગમત ક્ષેત્રે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત છે. વર્ષ 2024માં આયોજિત ખેલ મહાકુંભ 3.0માં 71 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી, જે રાજ્યમાં રમતગમત પ્રત્યે વધતા ઉત્સાહને દર્શાવે છે. રાજ્યએ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ, નેશનલ પોલીસ ગેમ્સ અને નેશનલ ગેમ્સ 2022 જેવા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત કાર્યક્રમોની સફળ યજમાની કરી છે. ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે પસંદગી મળવી રાજ્ય માટે ગૌરવની બાબત છે. અમદાવાદ ખાતે ₹825 કરોડના ખર્ચે નિર્માણિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું રાષ્ટ્રને અર્પણ થવું રમતગમત ક્ષેત્રના વિકાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.
ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી (SSIP) 2.0 હેઠળ આઈ-હબ (i-Hub), અમદાવાદ ખાતે 600 સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન માટે સમર્થન આપવામાં આવ્યું અને સ્ટાર્ટઅપ્સ સૃજન ફંડ સપોર્ટ હેઠળ 402 સ્ટાર્ટઅપ્સને અંદાજીત ₹ 23 કરોડથી વધુની સહાય પ્રદાન કરવામાં આવી છે.
3 વર્ષ સુશાસનનનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
ગુજરાતે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના મંત્રને આધાર બનાવી ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ તૈયાર કરી દેશનું પ્રથમ રાજ્ય બનવાનો ગૌરવ મેળવ્યું છે. કેન્દ્રના નીતિ આયોગની તર્જ પર રાજ્યમાં ‘ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’ (GRIT)ની સ્થાપના કરી પ્રશાસનને વધુ કાર્યક્ષમ અને પરિણામકારક બનાવવા પ્રયાસો વધારાયા છે. તેમજ વહીવટી તંત્રની અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગ (GARC)ની રચના કરવામાં આવી છે. રાજ્યમાં સુરક્ષા અને તાત્કાલિક સેવાઓને એકીકૃત કરવા માટે 112 જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત થઈ છે, જેના દ્વારા પોલીસ (100), એમ્બ્યુલન્સ (108), ફાયર (101), મહિલા હેલ્પલાઇન (181), ચાઇલ્ડ હેલ્પલાઇન (1098) અને ડિઝાસ્ટર હેલ્પલાઇન (1070/1077) જેવી તમામ સેવાઓ હવે એક જ નંબર 112 દ્વારા પ્રાપ્ત થશે. મહેસૂલી ક્ષેત્રે પણ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો લીધા છે, જેમ કે ખેતી હેતુ માટેની નવી, અવિભાજ્ય અથવા પ્રતિબંધિત શરતની જમીનોને જૂની શરતની ગણતરીમાં સામેલ કરવી. ઉપરાંત ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતી હેતુફેર સંબંધિત કામગીરીમાં બોનાફાઈડ ખરીદદારોના કિસ્સામાં જમીન વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પાંચ કરોડ સુધીની જમીન વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી કલેક્ટર કક્ષાએથી મળશે અને જંત્રી કિંમતના 10 ટકા વસૂલી જમીન હેતુફેર (N.A.) મંજુર કરી શકાશે.
3 વર્ષ શહેરી વિકાસનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
રાજ્ય સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ 2025’ તરીકે જાહેર કરી શહેરી વિકાસને નવી દિશા આપી છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2નું મોટેરા થી ગાંધીનગર સેક્ટર-1 અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી થી ગિફ્ટ સિટી સપ્ટેમ્બર 2024માં વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું, જેના પરિણામે રાજધાની વિસ્તારને સુરક્ષિત અને ઝડપી જાહેર પરિવહનની મોટી સુવિધા મળી છે. સ્માર્ટ સિટી મિશન હેઠળ રાજ્યના 6 સ્માર્ટ શહેરોમાં ₹11 હજાર કરોડથી વધુના કુલ 348 પ્રોજેક્ટ્સ પૂર્ણ થતા આધુનિક શહેરી સુવિધાઓનો વ્યાપક વિકાસ થયો છે. રાજ્યની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાથી હવે ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકાઓ કાર્યરત છે. છેલ્લા ત્રણ વર્ષમાં 226 ટીપી સ્કીમોની મંજૂરી મળવાથી શહેરી આયોજન વધુ સુવ્યવસ્થિત બન્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં અમદાવાદ દેશનું નંબર 1 સ્વચ્છ શહેર જાહેર થયું છે, જ્યારે સુરતે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં પ્રથમ અને 2025માં ટોચના ત્રણ શહેરોમાં સ્થાન મેળવ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષ ‘અગ્રેસર ગુજરાત’ અને ‘જનવિશ્વાસ’ને સમર્પિત રહ્યા છે, જેમાં ગુજરાત ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચાર વર્ષ દેશનું પ્રથમ રાજ્ય રહ્યું છે. ધોરડોનું ગામ UNWTO દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજમાં સ્થાન પામ્યું છે, જ્યારે યુનેસ્કોએ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસો’ તરીકે માન્યતા આપી છે. કચ્છના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમે રહ્યો છે. ઉપરાંત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નામે ત્રણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયા છે, જે રાજ્યના વૈશ્વિક પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.
3 વર્ષ શાંતિ અને સુરક્ષાનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં
ગુજરાત સરકારે ભ્રષ્ટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવનાયેલી સંપત્તિને જપ્ત કરવા માટે ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ ઍક્ટ, 2024 અમલમાં મૂક્યો છે, જેથી અપરાધીઓ પર ઝડપી અને સખત કાર્યવાહી શક્ય બને. રાજ્ય વિધાનસભાએ ગુજરાત માનવબલિ અને અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા તથા કાળા જાદુ નિવારણ વિધેયક સર્વાનુમતે પસાર કર્યો છે, જે માનવતાવિરૂદ્ધ પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવાનો ઐતિહાસિક પગલું છે. જાહેર ભરતી અને બોર્ડ પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવા માટે કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે, જેથી પારદર્શિતામાં વધારો અને યુવાનોનો વિશ્વાસ મજબૂત થાય.
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે ₹5426.25 કરોડનાં મૂલ્યનાં 65789.74 કિલો ડ્રગ્સ જપ્ત કરી મફિયા તત્વો પર અસરકારક કાર્યવાહી કરી છે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ રાજ્યભરમાં 7000થી વધુ CCTV કેમેરા સ્થાપિત થયા છે, જેના કારણે 3 વર્ષમાં 14,000થી વધુ કેસોના નિરાકરણમાં મદદ મળી છે. ગુનાખોરીને ડામવા માટે બે મહત્વપૂર્ણ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા છે – i-PRAGATI, જેના માધ્યમથી ફરિયાદી તપાસની પ્રગતિની સંપૂર્ણ માહિતી મેળવી શકે છે, અને ‘તેરા તુઝકો અર્પણ’, જે સાઇબર ક્રાઇમમાં ઠગાઈ ગયેલી રકમના રિફંડ માટે સહાયરૂપ છે.
નાણાકીય સાઇબર ક્રાઇમમાં ફ્રિઝ થયેલા બેંક ખાતાઓને અનફ્રિઝ કરાવવાની સુવિધા માટે મુખ્યમંત્રીએ ઓનલાઇન એપ્લિકેશન લોન્ચ કરી છે. રાજ્યમાં ડ્રગ્સના ગેરકાયદેસર ધંધા સામે વધુ કડક લડત આપવા ઝોન-વાઇઝ 6 નવી ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) યુનિટ્સ શરૂ કરવામાં આવી રહી છે. રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને આધુનિક અને ઝડપી પ્રતિભાવક્ષમ બનાવવા ‘GP-DRASTI’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેના દ્વારા ડ્રોન ટેક્નોલોજી દ્વારા એરિયલ સર્વેલન્સ અને રિસ્પોન્સ ટાઈમમાં નોંધપાત્ર ઘટાડો થશે.

