Gandhinagar News: ગુજરાતમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ અને ડિગ્રી વગરના તબીબો(fake doctors) સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યભરમાં છેલ્લા 15 દિવસથી ચાલેલી ખાસ મેગા ડ્રાઈવમાં કુલ 38 શંકાસ્પદ બોગસ ડોક્ટરો ઝડપાયા છે, જેમાંથી 35 સામે FIR નોંધવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે રાજ્યના કોઈપણ ખૂણે બોગસ ડોક્ટરો નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન કરી શકે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
298 ટીમો દ્વારા 15 દિવસ સુધી સઘન તપાસ
આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ, મેગા ડ્રાઈવ માટે 298 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ સતત 15 દિવસ વિવિધ વિસ્તારોમાં તપાસ કરી હતી. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG અને આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી હતી. કુલ 38 શંકાસ્પદ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી થઈ, જેમાંથી 35 અનધિકૃત તબીબો સામે FIR નોંધાવી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ છે.
fake doctors: રાજકોટમાં સૌથી વધુ 17 બોગસ ડોક્ટરો
મેગા ડ્રાઈવમાં રાજકોટમાં સૌથી વધુ 17 બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી થઈ છે. સુરતમાં 9, ગીર સોમનાથમાં 3 અને સુરેન્દ્રનગર(Surendranagar)માં 2 બોગસ ડોક્ટરો ઝડપાયા હોવાનું જણાવાયું છે. બાકીના વિસ્તારોમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લાવાર ખાસ કમિટીઓ બાતમીદારો દ્વારા દરોડા
બોગસ ડોક્ટરોની પ્રવૃત્તિઓ ડામવા માટે સરકારના અગાઉના દિશાનિર્દેશો અને ઠરાવ મુજબ જિલ્લાવાર ખાસ કમિટીઓની રચના કરાઈ છે. આ કમિટીઓ બાતમીદારો મારફતે માહિતી મેળવીને દરોડા પાડે છે. કમિટીમાં તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ હેલ્થ ઓફિસર, સંબંધિત વિસ્તારના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ હેડ કોન્સ્ટેબલ, મલ્ટીપર્પસ હેલ્થ સુપરવાઇઝર, તાલુકા હેલ્થ કચેરીના સિનિયર ક્લાર્ક અને સંબંધિત ગામ કે વિસ્તારના તલાટી-કમ-મંત્રીનો સમાવેશ થાય છે.
દરોડા પહેલાં જ ક્લિનિક બંધ કરી ભાગી ગયા કેટલાક તબીબો
આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમો દરોડા પાડવા પહોંચી ત્યારે કેટલાક શંકાસ્પદ તબીબો અગાઉથી જ પોતાના ક્લિનિક અને દવાખાનાં બંધ કરીને જતા રહ્યા હોવાનું પણ તપાસમાં ધ્યાને આવ્યું છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે દિવાળી અને તહેવારો બાદ પણ ઝુંબેશ વધુ સક્રિય રીતે ચાલુ રહેશે. નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે તપાસ અને કાયદાકીય કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
આ પણ વાંચો: કચ્છ: લાંચિયો તબીબ, મેડિકલ સર્ટીફેકેટ માટે ઉઘરાવે છે રૂ 200, વિડીયો થયો વાઇરલ
આ પણ વાંચો: ઓઢવની સ્ટીલ ફેક્ટરીમાં ખુલ્લી લિફ્ટ બની કાળ, 42 વર્ષીય મહિલા શ્રમિકનું મોત
આ પણ વાંચો: સિદ્ધપુર સિવિલમાં તબીબની બેદરકારીએ માસુમનો ભોગ લીધો
