Gandhinagar News/ નિવૃત્ત PSIને શેરબજાર અને ગેસ કોન્ટ્રાક્ટમાં મોટા નફાની લાલચ ભારે પડી: ગાંધીનગરના CA દંપતી સામે રૂ.1.94 કરોડની ઠગાઈની ફરિયાદ

ગાંધીનગરમાં નિવૃત્ત PSIએ CA દંપતી સામે રૂ.1.94 કરોડની છેતરપિંડીની ફરિયાદ (Retired PSI Fraud Case) નોંધાવી. શેરબજાર અને સાબરમતી ગેસના કોન્ટ્રાક્ટમાં નફાની લાલચ આપ્યાનો આક્ષેપ.

Gandhinagar Top Stories Gujarat Breaking News
Retired PSI Fraud Case: ગાંધીનગરમાં CA દંપતી સામે 1.94 કરોડની છેતરપિંડીની ફરિયાદ

Gandhinagar News: ગાંધીનગરમાં Gandhinagar) શેરબજારમાં ઊંચું વળતર અને સાબરમતી ગેસ કંપનીના કોન્ટ્રાક્ટમાં (Sabarmati Gas Contract) ભાગીદારી અપાવવાની લાલચ આપીને નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સાથે રૂ.1.94 કરોડથી વધુની છેતરપિંડી થઈ (Retired PSI Fraud Case) હોવાની ફરિયાદ નોંધાઈ છે. સરગાસણમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દંપતી સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, દંપતીએ અલગ-અલગ રોકાણ અને હાથ ઉછીના રૂપે કુલ રૂ.1,94,75,000 મેળવ્યા હતા. નફા સાથે રકમ પરત માગતાં બનાવટી હિસાબ અને ચેક આપ્યાનો પણ આક્ષેપ છે.

CA દંપતીએ ગેસ કંપનીના કોન્ટ્રાક્ટમાં ભાગીદારીની લાલચ આપી

Gandhinagar ના સેક્ટર-5બીમાં રહેતા અને IB વિભાગમાંથી નિવૃત્ત થયેલા PSI શૈલેષભાઈ બચુભાઈ નાયકને સરગાસણની મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતા CA જ્વલિન ઉર્ફે જય પ્રકાશભાઈ નાયક અને તેમનાં પત્ની બોસ્કી સાથે સગાઈ સંબંધ હતો. ફરિયાદ મુજબ, દંપતી અગાઉ શૈલેષભાઈનું ઇન્કમટેક્સ રિટર્ન પણ ભરતું હોવાથી તેમની આર્થિક સ્થિતિથી પરિચિત હતું.

વર્ષ 2024 દરમિયાન દંપતીએ (CA Couple Fraud) શૈલેષભાઈના ઘરે જઈને ઊંચા વળતર સાથે રોકાણ કરાવવાની વાત કરી હતી. જ્વલિન નાયકે પોતે સાબરમતી ગેસ કંપનીમાં CA તરીકે નોકરી કરતા હોવાનું અને કોન્ટ્રાક્ટરોના બિલો તેમની સહીથી મંજૂર થતા હોવાનું જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટરોના રોકડ ખર્ચ માટે ભાગીદારીમાં નાણાં રોકવાથી મોટો નફો મળશે તેવી ખાતરી આપી વિશ્વાસ કેળવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

Retired PSI Fraud Case: અલગ-અલગ રીતે રૂ.1.94 કરોડ મેળવ્યા

ફરિયાદ મુજબ, આ વાતોમાં વિશ્વાસ રાખીને નિવૃત્ત PSIએ પોતાની બચત અને સગા-સંબંધીઓ પાસેથી એકત્ર કરેલા રૂ.54 લાખ દંપતીને રોકડા આપ્યા હતા. ત્યારબાદ સાબરમતી ગેસના અન્ય મોટા કોન્ટ્રાક્ટમાં ભાગીદારી અપાવવાની વાત કરીને વધુ રૂ.47 લાખ મેળવ્યા હતા.

આ ઉપરાંત, દંપતીએ શેરબજારનું જ્ઞાન હોવાની વાત કરીને શૈલેષભાઈના નામે Angel One એપ્લિકેશનમાં ડીમેટ ખાતું ખોલાવ્યું હતું. ફરિયાદમાં આક્ષેપ છે કે ખાતાનું લોગિન અને પાસવર્ડ દંપતી પોતાની પાસે રાખતું હતું અને OTP મેળવી અથવા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને અલગ-અલગ ખાતાંમાં કુલ રૂ.80 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત હાથ ઉછીના રૂ.13.75 લાખ પણ મેળવ્યા હતા. આમ, કુલ રૂ.1,94,75,000 લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.

રૂ.2.38 કરોડના નફાનું લેઝર સ્ટેટમેન્ટ આપ્યું

જ્યારે શૈલેષભાઈએ રોકાણની રકમ નફા સાથે પરત માગી ત્યારે દંપતીએ રૂ.2.38 કરોડનો નફો થયો હોવાનું દર્શાવતું લેઝર સ્ટેટમેન્ટ આપ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે, રકમ ઉપાડવાની વાત આવતાં કંપનીમાં ફ્રોડની આશંકા હોવાનું કહી ખાતું ડિફોલ્ટમાં હોવાનું જણાવ્યું હતું.

ફરિયાદ મુજબ, દંપતીએ શૈલેષભાઈને વિશ્વાસમાં રાખવા માટે SBI બેંકમાં રૂ.5 લાખ જમા થયા હોવાની સ્લીપ પણ મોકલી હતી. જોકે, આ સ્લીપ પર બેંકનો સિક્કો ન હોવાનું અને બેંકમાં તપાસ કરતાં જમા રકમની વિગતો ખોટી હોવાનું સામે આવ્યું હતું.

મકાનનો બાનાખત અને ચેક પણ પરત ફર્યા

ત્યારબાદ દંપતીએ સરગાસણમાં આવેલા પોતાના મકાનનો બાનાખત કરી આપ્યો હતો અને રૂ.2.38 કરોડના ચેક આપ્યા હતા. જોકે, ફરિયાદ મુજબ, ચેક પર સહીમાં તફાવત અને ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાને કારણે ચેક પરત ફર્યા હતા.

આ ઉપરાંત, શૈલેષભાઈને ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, દંપતીએ તેમને પૈસા ભૂલી જવા અને ફરિયાદ ન કરવા દબાણ કર્યું હતું. પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી મળ્યા બાદ આખરે નિવૃત્ત PSIએ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નિવૃત્ત PSI સામે પણ અગાઉ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો

આ કેસમાં એક મહત્ત્વની બાબત એ પણ છે કે ફરિયાદમાં આરોપી તરીકે નામ ધરાવતા જ્વલિન નાયકના પિતા પ્રકાશભાઈ અગાઉ નિવૃત્ત PSI શૈલેષ નાયક સાથે નાણાકીય વ્યવહારમાં સંકળાયેલા હતા. પ્રકાશભાઈ ગૃહ વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા.

આક્ષેપ મુજબ, પ્રકાશભાઈએ પુત્રના શેરબજારમાં રોકાણ (Share Market Fraud) માટે શૈલેષ નાયક પાસેથી રૂ.10 લાખ 10 ટકા માસિક વ્યાજે લીધા હતા. ત્યારબાદ ટુકડે-ટુકડે રૂ.90 લાખ ચૂકવ્યા હોવા છતાં તેમની પાસેથી વધુ રૂ.1.50 કરોડની માંગણી કરવામાં આવતી હતી. આ નાણાકીય દબાણથી કંટાળીને પ્રકાશભાઈએ સુસાઇડ નોટ લખી કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હતો.

આ ઘટનાને પગલે ગત માર્ચ મહિનામાં જ્વલિન નાયકે નિવૃત્ત PSI શૈલેષ નાયક સામે સાંતેજ પોલીસ સ્ટેશનમાં આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. આમ, અગાઉ જે નિવૃત્ત PSI સામે ગંભીર આક્ષેપો થયા હતા, તેમણે હવે CA દંપતી સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.


આ પણ વાંચો: ગુજરાતની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ સાથે ₹69.10 લાખની છેતરપિંડી! 4% વળતરની લાલચ આપી ફસાવી

આ પણ વાંચો: કેનેડા મોકલવાના નામે અમદાવાદના યુવક સાથે ₹16.52 લાખની છેતરપિંડી! બે ચેક પણ બાઉન્સ

આ પણ વાંચો: અમદાવાદમાં જમીનના નામે 58.92 કરોડની છેતરપિંડી, 3 શખસો સામે ગુનો દાખલ