Bihar News: બિહારના મધુબની જિલ્લામાં એક ASIના ફાયરિંગથી એક ગ્રામીણનું મોત થયું છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. આરોપ છે કે એએસઆઈ ચંદ્રમોહન સિંહ ગામના એક ઘરમાં યુવતીને મળવા પહોંચ્યા હતા. જાણ થતાં ગ્રામીણોએ મોડી રાતે ઘરને ચારે તરફથી ઘેરી લીધું હતું. ઘટના બાદથી આરોપી એએસઆઈ ફરાર છે. SSPએ તેને સસ્પેન્ડ કરી તેને શોધી આપનારને 25 હજારના ઈનામની જાહેરાત કરી છે.
ભીડ જોઈ ASIએ ફાયરિંગ કર્યું
મળતી માહિતી મુજબ, ગ્રામીણોએ દરવાજો ખોલી ASIને બહાર કાઢવાની માગ કરી હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, લગભગ 20થી 25 મિનિટ સુધી ગ્રામીણો એએસઆઈને બહાર આવવા કહેતા રહ્યા. આ દરમિયાન પોતાને ભીડમાં ઘેરાયેલો જોઈ એએસઆઈ એ સર્વિસ પિસ્તોલથી બારીમાંથી ફાયરિંગ(Firing) શરૂ કરી દીધું.
ગ્રામીણોનો દાવો છે કે તેણે પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોળી અશોક યાદવ(ashok yadav) સહિત ચાર લોકોને વાગી, જેમાં અશોક યાદવનું મોત થયું. ઘાયલોમાં ફુલો દેવી, વિજેન્દ્ર યાદવ અને ધનિકલાલ યાદવનો સમાવેશ થાય છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો
રિપોર્ટ અનુસાર, ઘટના બાબૂબરહી વિસ્તારના બલિરાજગઢ નજીક ધતા ટોલની છે. ગ્રામીણ અખિલેશના જણાવ્યા મુજબ, એએસઆઈ લગભગ 6 મહિના પહેલા દૂધ લેવા આ ઘરે આવ્યો હતો. શરૂઆતમાં તે દૂધ લઈને નીકળી જતો, પછી એકાદ મહિના બાદ ઘરમાં બેસીને ચા પીવા લાગ્યો. આ દરમિયાન ઘરની એક યુવતી સાથે તેની મિત્રતા થઈ અને બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હોવાનો આરોપ છે.
ગામલોકોનો આરોપ છે કે ત્યારબાદ એએસઆઈ(Chandramohan Singh) દિવસમાં બેથી ત્રણ વાર ઘરે આવવા લાગ્યો. સોમવારની રાતે પણ તે યુવતીને મળવા પહોંચ્યો હતો, ત્યારે કેટલાક ગ્રામીણોએ તેને ઘરમાં જતો જોયો અને જોતજોતામાં ભીડ એકઠી થઈ ગઈ.
દીકરીના લગ્ન માટે ગામ આવ્યા હતા મૃતક
મૃતક અશોક યાદવ બેંગલુરુ(Bengaluru)માં પાનની દુકાન ચલાવતા હતા. ડિસેમ્બરમાં તેમની દીકરીના લગ્ન નક્કી થયા હતા, તેથી તેઓ 15 દિવસ પહેલા ગામ આવ્યા હતા. તેમના મોત બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને પત્ની-બાળકોની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે.
DMનો કોલર પકડાયો, ગામમાં તણાવ
ઘટના બાદ ગામમાં તણાવ ફેલાઈ ગયો છે. DM આનંદ શર્મા (DM Anand Sharma)ઘટનાસ્થળે પહોંચી ગ્રામીણોને સમજાવવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે આક્રોશિત ભીડમાં સામેલ એક મહિલાએ તેમનો કોલર પકડી લીધો. પોલીસકર્મીઓએ તેમને સુરક્ષિત બહાર કાઢ્યા. પ્રશાસને પારિવારિક લાભ યોજના હેઠળ મૃતકના પરિવારને 20 હજારનો ચેક આપ્યો છે. ગ્રામીણોએ આરોપી એએસઆઈ સામે હત્યાનો ગુનો નોંધવા, દીકરીના લગ્નનો ખર્ચ સરકાર ઉઠાવે અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માગ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ₹25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી પર ફાયરિંગ, પગમાં વાગી ગોળી
આ પણ વાંચો: ટાઇગર શ્રોફ ફાયરિંગ બાદ મહારાષ્ટ્રમાં બિશ્નોઈ ગેંગના નેટવર્કની ચર્ચા ફરી તેજ
આ પણ વાંચો: અમદાવાદમાં દારૂ ભરેલી ગાડીનો પીછો, SMCનું હવામાં ફાયરિંગ : બુટલેગરો ફરાર
