Gandhinagar News : ગુજરાત CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ (Operation Mule Hunt 2.0)અંતર્ગત વધુ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ અને સુરતમાંથી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરીને ₹161 કરોડથી વધુના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપીઓ નકલી ફર્મોના નામે વિવિધ બેંકોમાં મ્યુલ એકાઉન્ટ ખોલી દેશભરના સાયબર ગુનેગારોને ઉપલબ્ધ કરાવતા હતા.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી વિશાલ સુરેશભાઈ ડોડિયાએ ‘ચામુંડા કોમ્યુનિકેશન’ નામની નકલી ફર્મ બનાવી ત્રણ અલગ-અલગ બેંક ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં ઓનલાઈન છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો.
સાયબર ક્રાઇમ પોર્ટલ પર તપાસ કરતાં આ ત્રણ ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 253થી વધુ સાયબર ક્રાઇમ ફરિયાદો નોંધાયેલી હોવાનું બહાર આવ્યું છે. આ તમામ ફરિયાદોમાં અંદાજે ₹161 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.
CIDએ જણાવ્યું કે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 317(2), 61(2) તેમજ IT એક્ટની કલમ 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાવનગર બેંક હેકિંગ કેસમાં પણ કાર્યવાહી
આ કાર્યવાહીમાં ભાવનગર જિલ્લા સહકારી બેંકના હેકિંગ કેસમાં પણ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ મુજબ આરોપીઓએ બેંકની કોર બેન્કિંગ સિસ્ટમમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવી ડેટામાં ફેરફાર કરીને આશરે ₹7.34 કરોડનું કૃત્રિમ બેલેન્સ ઉભું કર્યું હતું અને તે રકમ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી.
પકડાયેલા આરોપીઓના મોબાઇલ અને બેંક ખાતાઓની તપાસ દરમિયાન સાયબર ફ્રોડ (Cyber Fraud)સાથે જોડાયેલા અનેક ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે.
એક મહિનામાં 55 આરોપીઓ ઝડપાયા
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના જણાવ્યા મુજબ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 (Operation Mule Hunt 2.0) હેઠળ છેલ્લા એક મહિનામાં કુલ 55 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે દેશભરમાં અંદાજે ₹802 કરોડના સાયબર ફ્રોડ સાથે જોડાયેલા ગુનાઓ નોંધાયેલા છે.
CIDનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ મ્યુલ એકાઉન્ટ (Mule Account)ચલાવતા નેટવર્ક સામે રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય સ્તરે કાર્યવાહી ચાલુ રહેશે.
આ પણ વાંચો : ઓપરેશન મ્યૂલ હન્ટ: 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
આ પણ વાંચો : સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનારા સાયબર ક્રાઈમ ગેંગના બે શખ્સો ઝડપાયા
આ પણ વાંચો : મહેસાણા જિલ્લામાં સાયબર ફ્રોડનો વધતો કહેર, મ્યુલ બેંક એકાઉન્ટ્સ ભાડે આપનારાઓ સામે પોલીસની લાલ આંખ
