Gujarat News : ગુજરાતમાં સાયબર ગુનેગારો સામે રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ (Operation Mule Hunt)હેઠળ મોટી સફળતા મળી છે. રાજ્યભરમાં ચલાવવામાં આવેલી આ વિશેષ ઝુંબેશ દરમિયાન કુલ 2289 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ (Cyber Fraud)નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન 565 FIR નોંધાઈ છે, જ્યારે 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા અને સાયબર ક્રિમિનલ્સની કમર તોડી નાંખવાના ઉદ્દેશ્ય સાથે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આવતી કાલથી “ઓપરેશન મ્યુલ હંટ 2.0” અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જીકલ સ્ટ્રાઈક કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે.
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા. તમામ શહેરના પોલીસ કમિશનર તેમજ તમામ જિલ્લાના પોલીસ વડાઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા મ્યૂલ એકાઉન્ટ્સ (Operation Mule Hunt)સામે વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 913 મ્યૂલ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી અને 4052 સાયબર ગુના (Cyber Fraud)ઓની ઓળખ કરવામાં સફળતા મળી હતી.
શું છે મ્યૂલ એકાઉન્ટ?
મ્યૂલ એકાઉન્ટ એવા બેંક ખાતા છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીથી મેળવેલા નાણાંને ટ્રાન્સફર કરવા અથવા છુપાવવા માટે કરે છે. આવા ખાતાધારકોને ‘મની મ્યૂલ’ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત લોકો અજાણતા પણ પોતાના ખાતાનો ઉપયોગ આવા ગેરકાયદેસર વ્યવહારો માટે થવા દેતા હોય છે.
ઓપરેશન મ્યૂલ હન્ટની મોટી સફળતા
ગુજરાત પોલીસ દ્વારા 2025 દરમિયાન ચલાવવામાં આવેલા ઓપરેશન મ્યૂલ હન્ટ (Operation Mule Hunt)1.0માં અદ્યતન ડેટા એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સમગ્ર રાજ્યમાં સાયબર ગુનાઓ સાથે જોડાયેલા મ્યૂલ એકાઉન્ટ્સને ટ્રેક કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ અને 1930 હેલ્પલાઇન દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી.
આ ઓપરેશનના પરિણામે ચેક મારફતે થતી શંકાસ્પદ રકમની ઉપાડમાં 75 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. માસિક ચેક ઉપાડ 126 કરોડ રૂપિયાથી ઘટીને 25 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. એટીએમ દ્વારા થતા ઉપાડમાં પણ 66 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
હવે AI કરશે શંકાસ્પદ ખાતાઓની ઓળખ
સાયબર ફ્રોડ સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે RBIના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી રહી છે.
આ સિસ્ટમ દરેક ટ્રાન્ઝેક્શનને Low Risk, Medium Risk અને High Risk કેટેગરીમાં વર્ગીકૃત કરશે. જેના આધારે બેંકો શંકાસ્પદ એકાઉન્ટ્સ સામે ઝડપી કાર્યવાહી કરી શકશે. ઉપરાંત mulehunter.ai નામની રજિસ્ટ્રી પણ તૈયાર કરવામાં આવી છે, જે બેંકો વચ્ચે માહિતી વહેંચવામાં મદદરૂપ બનશે.
ડિજિટલ ઇન્ડિયા સાથે વધી રહી છે સાયબર સુરક્ષાની જરૂરિયાત
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ઇન્ટરનેટ અને UPIના વધતા ઉપયોગ સાથે સાયબર સુરક્ષાનું મહત્વ પણ વધ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે નાગરિકોની જાગૃતિ અને ટેક્નોલોજી આધારિત દેખરેખથી જ સાયબર ગુનાઓ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.
ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યૂલ હન્ટ (Operation Mule Hunt)રાજ્યમાં સાયબર ગુના (Cyber Fraud)ઓ સામેની લડતમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે, જેનાથી હજારો કરોડ રૂપિયાના ફ્રોડ નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે અને સાયબર ગુનેગારોને કડક સંદેશો મળ્યો છે.
