Ahmedabad News : સાયબર ગઠિયોઓ યેનકેન પ્રકારે લોકોને ફસાવી નાણાં પડાવે છે. આવા જ એક બનાવમાં અમદાવાદની યુવતીને તમારા નામે થાઈલેન્ડ જતા પાર્સલમાં ગેરકાયદે વસ્તુ મળી છે એમ પોતાની સીબીઆઈ અને નાર્કોટિક્સના અધિકારી તરીકેની ઓળખ આપી 4.92 લાખની છેતરપિંડી કરી હતી. તે સિવાય નાર્કોટિક્સના અધિકારી તરીકે ઓળખાણ આપી શરીર પરના માર્ક જોવાના બહાને વીડિયો કોલ ચાલુ રાખી યુવતીને કપડા પણ કઢાવ્યા હતા.
યુવતીને વ્હોટ્સએપ કોલ કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાના બહાને માહિતી મંગાવી અને પોતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયા (CBI)ના અધિકારી હોવાની ઓળખાણ આપી એક પીડીએફ મોકલી હતી. જેમાં મહિલાનો આધારકાર્ડ નંબર પણ લખવામાં આવ્યો હતો તથા દિલ્હી સાયબર ક્રાઇમથી જ કોઈ પીડીએફ મોકલવામાં આવી હોય તે પ્રકારે સત્યમેવ જયતે લખેલું ભારતનું રાષ્ટ્રીય ચિહ્નવાળા વોટરમાર્ક પેજ પર સમગ્ર વિગતો પીડીએફમાં લખેલી હતી.ફરિયાદ મુજબ 27 વર્ષીય અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીને ફોન કોલ પર જણાવવામાં આવે છે કે, DTDC કુરિયર સર્વિસમાંથી વાત કરું છું અને આપના નામથી થાઇલેન્ડ એક પાર્સલ જઈ રહ્યું છે, જેમાં કેટલીક ગેરકાયદે વસ્તુઓ મળી આવી છે. આ વસ્તુઓમાં 3 લેપટોપ, 2 મોબાઈલ ફોન, 150 ગ્રામ એમડી ડ્રગ્સ અને દોઢ કિલો જેટલા કપડાં મૂકેલાં છે.આ પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓ મળી આવી છે તેમ જણાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ અન્ય એક નંબરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં યુવતીને વાત કરનાર વ્યક્તિએ પોતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI) છે તેમ ઓળખ આપી હતી. તે જ નંબર ઉપરથી એક વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયા કોન્સેસ્ટ ટુ ટર્મ ઓફ કોન્ફિડિયન્સલી અગ્રીમેન્ટ પીડીએફ તથા યુવતીનો આધારકાર્ડ નંબર લખેલો હતો. આ ઉપરાંત મની લોન્ડરિંગ કેસ, હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ્સ સ્મગ્લિંગ વગેરે લખાણ લખેલું હતું અને તે પીડીએફના બેકગ્રાઉન્ડમાં એટલે કે વોટરમાર્કમાં સત્યમેવ જયતે તથા રાષ્ટ્રીય ચિહ્ન પણ હતું, તેથી યુવતી સાચું માની ગઈ કે તેને દિલ્હી સાયબર ક્રાઇમમાંથી વ્હોટ્સએપ કોલ આવ્યો છે.
યુવતીને છેતરનાર ઠગે જે પીડીએફ મોકલી હતી, તેને નીચેના ભાગમાં ઓથોરાઈઝ પર્સન તરીકે ઓફિસ ઇન્ચાર્જ તરીકે સમાધાન પવાર આઈપીએસ લખેલું હતું, તથા ઇન્વેસ્ટિગેશન યુનિટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન યુનિટ લખીને ખોટા સહી-સિક્કા કરેલાં હતાં તથા વ્હોટ્સએપ ઉપર વીડિયો કોલ કરીને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોટોકોલ મુજબ કપડાં ઉતરાવીને ચેકિંગ કરવું પડશે તેમ જણાવી બળજબરીપૂર્વક આ કામ કરવા મજબૂર કરી હતી તથા વિવિધ એકાઉન્ટમાં મળીને કુલ ₹4,92,900ની છેતરપિંડી આચરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો
આ પણ વાંચો:ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલિયાવાડી બહાર આવી, હેલ્પલાઇન જ બંધ
આ પણ વાંચો:નડિયાદમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈઃ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી
