Dahod News:દાહોદ (Dahod) જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં શ્રી હસ્તેશ્વર સ્કૂલની બસ (School bus)માંથી ઉતરતી વખતે 4 વર્ષીય બાળકી ધ્રુવિકા પટેલનું બસના ટાયર નીચે કચડાતાં કમકમાટીજનક મોત થયું. આ ઘટનાએ સમગ્ર ગામ અને પરિવારને શોકમાં ડુબાડી દીધો છે.
આ દુર્ઘટના મંગળવારે સાંજે બની, જ્યારે ધ્રુવિકા, જે KGમાં અભ્યાસ કરતી હતી, સ્કૂલેથી ઘરે પરત ફરી રહી હતી. ધ્રુવિકાની માતા બસ પાસે તેને લેવા માટે હાજર હતી. પરંતુ, બસ ચાલકે બેદરકારીથી અચાનક બસ ચલાવી દીધી,જેના કારણે ધ્રુવિકા બસમાંથી ઉતરતી વખતે નીચે પડી ગઈ. બસનું પાછળનું ટાયર ધ્રુવિકા પર ફરી વળ્યું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ દુર્ઘટના તેની માતાની આંખો સમક્ષ બની, જેના કારણે પરિવાર પર આઘાતનો પહાડ તૂટી પડ્યો છે.

ઘટના બાદ બસ ચાલકે બસ લઈને ફરાર થવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગામના લોકોએ તાત્કાલિક પીછો કરીને તેને ઝડપી પાડ્યો અને પોલીસને સોંપી દીધો. પોલીસે ચાલકની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને અકસ્માતના કારણો અને બેદરકારીની બાબતોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
ધ્રુવિકાના અકાળે મોતથી તેનો પરિવાર ગમગીન બન્યો છે. નાની બાળકીના આવા દુ:ખદ અંતથી ગામના લોકોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો:દાહોદમાં જમવાનું બનાવવા બાબતે તકરાર, પતિએ કરી પત્નીની હત્યા
આ પણ વાંચો:દાહોદમાં પરીણિતાને આત્મહત્યાની ફરજ પાડનારા પતિને દસ વર્ષની સજા
આ પણ વાંચો:દાહોદ : ઝાલોદ સબજેલમાં કેદીનો આપધાત
