ઊનાના ગરાળના માછીમાર દરીયામાં માછીમારી કરવા ગયા હતા. દરમ્યાન પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ માછીમારનું બે માસ પહેલા પાકિસ્તાનની જેલમાં બિમારીના કારણે મોત નિપજ્યુ હતું. આ માછીમારનો મૃતદેહ ૪૫ દિવસ પછી પોતાના વતન ગરાળ ગામે આવતા પરીવારજનોમાં ગમગીની છવાઇ ગઈ હતી.
ઊના તાલુકાના મૂળ ગરાળ ગામના અને દાંડી ગામે રહેતા કાળુભાઈ વિરાભાઈ શિયાળ માછીમારી કરતા હતા. બે વર્ષ પહેલાં પોરબંદરની ગંગા સાગર બોટમાં માછીમારી માટે ગયા હતા. અને દરીયામાં માછીમારી દરમ્યાન પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને કાળુભાઇ શિયાળને પાકિસ્તાનના કરાંચી ખાતે લાડી જેલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગત તા. ૬ જુલાઇ ૨૦૨૨ના રોજ અવસાન થયું હતું. આ અંગેનો પત્ર પરિવારજનોને મળ્યો હતો. તેમજ પત્રમાં અન્ય ૨૦ માછીમાર ભાઈઓ પણ બિમાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જેના કારણે આ માછીમાર ભાઈઓના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. મૃતક માછીમાર કાળુભાઈ શિયાળનો મૃતદેહ વતન પરત લાવવા અનેક રજુઆતો કરવામાં આવી હતી. અને આ માછીમારનો મૃતદેહ ૪૫ દિવસ બાદ પોતાના માદરે વતન આવતા માછીમારો અને તેમના પરીવારજનોમાં શોક પ્રસરી ગયો હતો. મૃતદેહ વતન આવતા સામાજીક આગેવાન, માછીમાર આગેવાન અને સૈયદ રાજપરાના સરપંચ ભરતભાઇ કામળીયા મૃતક પરીવારના ઘરે પહોચ્યા હતા. અને જણાવ્યુ હતું કે, આ વિસ્તારના હજુ ૨૦ થી ૨૫ જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં બિમાર છે. તેને સરકાર દ્વારા તાત્કાલીક મુક્ત કરવામાં આવે નહી તો આવનારા દિવસોમાં મૃતદેહ આવાની તૈયારી રાખવી પડશે આથી તાત્કાલીક માછીમારોને જેલામાંથી મુક્ત કરવાની પણ માંગણી કરી હતી.
મારા પતિ હજુ પાકિસ્તાન જેલમાં છે દિયરના અંતિમ સંસ્કારમાં પણ પહોચી શક્યા નહીં : લક્ષ્મીબેન મૃતકના ભાભી
ગરાળ ગામે રહેતા મૃતક માછીમારના ભાભી લક્ષ્મીબેનએ જણાવેલ કે મારા પતિ જીણાભાઇ વીરાભાઇ શિયાળ અને દિયર કાળુભાઇ વિરાભાઇ શિયાળ બન્ને ભાઇઓ બે વર્ષ પહેલા માછીમારી કરવા ગયેલ એ દરમ્યાન પાકિસ્તાન સીક્યુરીટી દ્વારા પકડી પાડેલ અને જેલમાં મારા દિયરનું મૃત્યુ થયાના ૪૫ દિવસ પછી મૃતદેહ આજે આવ્યો છે. પણ મારા પતિ હજુ પાકિસ્તાન જેલમાં છે આજે મારા દિયરના અંતિમ સંસ્કારમાં પણ પહોચી શક્યા નથી. સરકાર દ્વારા તાત્કાલીક મારા પતિને છોડાવવામાં આવે તેવી માંગ કરી હતી…
માછીમારનો મૃતદેહ આવ્યો પરંતુ રાજકીય આગેવાનો ડોકાયા નહીં…
ઊનાના ગરાળ ગામે માછીમારનો મૃતદેહ વતન આવ્યો હતો. ત્યારે રાજકીય આગેવાનો મૃતક પરીવારના ઘરે કોઇ ડોકાયા ન હતા.
નાનપણથી મે મોટો કર્યો હતો : જેઠીબેન મૃતકના ફઇ
દાંડી ગામે રહેતા મૃતકના ફઇ જેઠીબેનએ જણાવેલ કે કાળુભાઇ નાનો હતો ત્યારથી તેના માતા- પિતા મૃત્યુ પામ્યા હતા. અને મે નાનપણથી તેને ઉછેરી મોટો કર્યો હતો. મારા પરીવારના હજી બે વ્યક્તિઓ પાકિસ્તાની જેલમાં છે. તેને છોડાવવા માંગણી કરી છે.
Ukraine Crisis/ યુક્રેનના ‘સ્વતંત્રતા દિવસ’ પર રશિયાએ ચાલતી ટ્રેન પર મિસાઈલ છોડી, 22ના મોત
