ગુજરાતના બહુચર્ચિત કેસ બિલ્કીશબાનુ પર સામૂહિક ગેંગ રેપથી માંડીને હત્યાના ગુનામાં સજા ભોગવતા 11 આરોપીઓને 15મી ઓગસ્ટના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ આરોપીઓને છોડી મૂકવાના મામલે કોગ્રેસ તરફથી ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સખત વિરોધ દર્શાવ્યાે હતો. સરકારના આ નિર્ણય મામલે સમગ્ર દેશમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે જે કમિટીએ દરખાસ્ત મૂકી હતી તેમાં 10 પૈકી 5 સભ્યો ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે.
ઉલ્લેખનીય છે કે જેલ મુક્ત થયેલા 11 આરોપીઓને છોડવા અંગે નિર્ણય કરનારી જેલ સલાહકાર સમિતિના 10 સભ્યો પૈકીના 5 ભાજપના અગ્રણીઓ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. એટલું જ નહીં પરંતુ આ પાંચ પૈકી બે મહિલા સભ્યો હતા. આ બે મહિલા પૈકી એક મહિલા સહિત બે સભ્યો તો ધારાસભ્યો પણ છે.ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી તેમ જ કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલી કોમી હિંસામાં લીમખેડામાં રહેતી બિલ્કિશ બાનું પર સામૂહિક બળાત્કાર સહિત 7 જણાની હત્યાનો ગુનો નોંધાવવા પામ્યો હતો. આ ગુનામાં સુપ્રીમ કોર્ટના આદેશથી સી.બી. આઈ. દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં સીબીઆઇએ 2004માં આરોપીઓની ધરપકડ કરી હતી,આ કેસમાં સંડોેવાયેલા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સજા પામેલા આરોપીઓને પહેલાં મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા.
એક કેદીને 9 જુલાઈ 1992ની જેલ માફીની પોલિસી અંતર્ગત માફી આપવા અરજી કરી હતી. આ અરજી પર ગોધરા જિલ્લા કલેકટર સુજાલ માયાત્રાના અધ્યક્ષ પદે જેલ સલાહકાર સમિતિની ગઇ તા. 26-5- 2022ના રોજ સાંજે 5વાગ્યે જેલમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય કર્યા બાદ સરકારને ભલામણ કરતો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.જેલ સલાહકાર સમિતિમાં 10 સભ્યોનો સમાવેશ થાય છે. આ 10 સભ્યોમાંથી પાંચ સભ્યો તો ભાજપના હતા. તેમાં બે ભાજપના ધારાસભ્યો તથા અન્ય ત્રણ બિન સરકારી પ્રતિનિધિઓમાં સામાજીક કાર્યકરો તરીકે ભાજપના ત્રણ આગેવાનોનો સમાવેશ થાય છે.
