World News/ અમેરિકાના સ્ટુડન્ટ વિઝા ભારતીયો માટે મુશ્કેલ! 62%નો મોટો ઘટાડો, ટ્રમ્પ સરકારની નીતિઓ જવાબદાર

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓને ફટકો. 2025માં ભારતીયોને મળતા Student Visaમાં 62%નો નોંધાયો ઘટાડો. ટ્રમ્પ સરકારની કડક ઇમિગ્રેશન નીતિ જવાબદાર.

World Breaking News
student visa

World News: અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટે જવાનું સપનું જોતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. US Student Visa જારી કરવાની પ્રક્રિયામાં મોટો ઘટાડો નોંધાયો છે. અમેરિકાના ઇમિગ્રેશન થિંક ટેન્ક સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝના વિશ્લેષણ મુજબ વર્ષ 2025 દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા સ્ટુડન્ટ વિઝામાં ગયા વર્ષની સરખામણીએ 62 ટકા જેટલો મોટો ઘટાડો થયો છે.

અમેરિકન Student Visa મેળવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો

અહેવાલ મુજબ મેથી ઓગસ્ટ 2025 દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને માત્ર 22,149 F-1 સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. જ્યારે 2024ના સમાન સમયગાળામાં આ સંખ્યા 58,694 હતી. એટલે કે માત્ર એક વર્ષમાં 62 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત 2017થી 2019 અને 2021થી 2024 વચ્ચેના સરેરાશની સરખામણીએ પણ આ આંકડો આશરે 60 ટકા ઓછો રહ્યો છે. ચીનના વિદ્યાર્થીઓને પણ અસર થઈ છે. મેથી ઓગસ્ટ 2025 દરમિયાન ચીનના વિદ્યાર્થીઓને 40,034 F-1 વિઝા (F1 Visa)આપવામાં આવ્યા હતા, જે અગાઉના વર્ષની સરખામણીએ 34 ટકા ઓછા છે.

ટ્રમ્પ સરકારની નીતિઓથી કડક બન્યું વિઝા સિસ્ટમ

વિશ્લેષણમાં જણાવાયું છે કે ટ્રમ્પ સરકારે (Donald Trump)વિદેશી વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન (Immigration)પ્રક્રિયાને વધુ કડક બનાવી છે. મે 2025માં વિશ્વભરમાં સ્ટુડન્ટ વિઝા માટેની ઇન્ટરવ્યૂ એપોઇન્ટમેન્ટ્સને અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રક્રિયા ફરી શરૂ થતાં અરજદારોની વધુ કડક તપાસ શરૂ કરવામાં આવી હતી. સરકારે સ્ટુડન્ટ વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ચકાસણી ફરજિયાત બનાવી દીધી છે. અરજદારોની ઓનલાઈન પ્રવૃત્તિઓની તપાસ બાદ જ વિઝા મંજૂર કરવાની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.

યુનિવર્સિટીઓ પર પણ સરકારની કડક કાર્યવાહી

ટ્રમ્પ સરકારે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ સામે પણ કડક વલણ અપનાવ્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટી સહિત કેટલીક સંસ્થાઓમાં નવા વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. આ પગલાંને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતા વધી છે.

F-1 વિઝાના નિયમોમાં પણ મોટો ફેરફાર

તાજેતરમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ F-1 સ્ટુડન્ટ્સ માટે વર્ષોથી ચાલતી Duration of Status વ્યવસ્થા સમાપ્ત કરી છે. હવે ઘણા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં માત્ર ચાર વર્ષ સુધી રહેવાની મંજૂરી મળશે. ત્યારબાદ વધુ સમય રહેવા માટે અલગથી એક્સટેન્શન લેવું પડશે. નવા નિયમો હેઠળ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ દરમિયાનની પ્રક્રિયા વધુ જટિલ બની શકે છે અને ભવિષ્યમાં વિઝા સંબંધિત પડકારો પણ વધી શકે છે.


 આ પણ વાંચો: US સિટીજનશીપ મેળવવી વધુ મુશ્કેલ, ટ્રમ્પ વહીવટીતંત્ર સિટીજનશીપની પરીક્ષામાં થશે સુધારા !

આ પણ વાંચો: US વિઝા ધારકોને દેશનિકાલાનો ડર, 5.5 કરોડ વિઝા રદની સંભાવના

આ પણ વાંચો: USના જ્યોર્જિયા રાજ્યમાં લશ્કરી થાણા પર હુમલો, હુમલાખોરે 5 સૈનિકોને ગોળી મારી, હુમલાનું સ્થળ બંધ કરાયું!