Gujarat News: ગુજરાતમાં ‘એનાલોગ’ પનીર, નકલી ચીઝ અને બટર પર પ્રતિબંધ લાગુ થયા બાદ હવે તેના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર વધુ એક્શનમાં આવી છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) જાહેરાત કરી છે કે રાજ્યમાં પ્રતિબંધના કડક અમલ માટે ટૂંક સમયમાં વિશેષ ટાસ્ક ફોર્સની (Analogue Paneer Task Force) રચના કરવામાં આવશે.
Analogue Paneer Task Force: નિયમ તોડનાર એકમો સામે કડક કાર્યવાહી
હર્ષ સંઘવીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે પ્રતિબંધ છતાં ‘એનાલોગ’ ડેરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરનાર એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડશે તો આવા વેપારીઓ અને એકમોના પ્રતિષ્ઠાનો પણ બંધ કરવામાં આવશે.
પ્રતિબંધના અમલ માટે ખાસ ટીમો કામ કરશે

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ટાસ્ક ફોર્સ સમગ્ર ગુજરાતમાં સતત ચેકિંગ, દરોડા અને સેમ્પલિંગ કરશે. ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંકલન કરીને નિયમોના ભંગ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે, જેથી પ્રતિબંધ માત્ર કાગળ પૂરતો ન રહે પરંતુ જમીન સ્તરે પણ અસરકારક રીતે અમલમાં આવે.
ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પ્રતિબંધ
આ કાર્યવાહી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘Food Safety and Standards Act, 2006’ હેઠળ બહાર પાડવામાં આવેલી જાહેરનામાની અનુસંધાને કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં ધોરણ વિનાના ‘એનાલોગ’ પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
શું છે ‘એનાલોગ’ પનીર?

‘એનાલોગ’ પનીર દૂધમાંથી બનતું નથી. તેમાં દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, ઇમલ્સિફાયર અને અન્ય કૃત્રિમ ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય પનીરની સરખામણીએ તે ઓછા ખર્ચે તૈયાર થાય છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ પણ ઓછું હોય છે.
સ્વાસ્થ્યની સુરક્ષા સરકારની પ્રાથમિકતા
રાજ્ય સરકારનું કહેવું છે કે ગ્રાહકોને ભ્રમિત કરતા અને આરોગ્ય માટે જોખમરૂપ બનતા આવા બિન-ધોરણીકૃત ડેરી ઉત્પાદનો સામે હવે રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ અને ખાદ્ય સુરક્ષાના નિયમોનો કડક અમલ સુનિશ્ચિત કરવાનો છે.
આ પણ વાંચો: એનાલોગ પનીર પર સરકારનો સખત પ્રહાર, વડોદરામાં સઘન ચેકિંગ તો રાજકોટમાં વેપારીનો ખુલાસો
