Mantavya News Impact: પત્રકારત્વ માત્ર સમાચાર બતાવવા પૂરતું નથી, પરંતુ સમાજના હિતના મુદ્દાઓને જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનું પણ એક મહત્વપૂર્ણ માધ્યમ છે. મંતવ્ય ન્યૂઝના હેલ્થ લીડરશીપ કોન્ક્લેવમાં (Health Conclave) ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં એનાલોગ પનીરના વધતા ઉપયોગ અને તેના કારણે લોકોના સ્વાસ્થ્ય ( (Gujarat Analog Paneer Ban) પર પડતા સંભવિત જોખમનો મુદ્દો ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યો હતો. કોન્ક્લેવ દરમિયાન આરોગ્ય મંત્રીએ આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાનો ભરોસો વ્યક્ત કર્યો હતો.
Gujarat Analog Paneer Ban: ભરોસાથી નિર્ણય સુધી… સરકારે સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ જાહેર કર્યો
કોન્ક્લેવ બાદ રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લેતાં સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે આ નિર્ણય માત્ર કાયદાકીય કાર્યવાહી માટે નહીં, પરંતુ લાખો નાગરિકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાના હેતુથી લેવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે ગુજરાત એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકનાર દેશના ગણતરીના રાજ્યોમાં સામેલ બન્યું છે.
પ્રતિબંધ લાગુ થતાં જ સમગ્ર રાજ્યમાં તંત્ર એક્શનમાં
સરકારનો નિર્ણય જાહેર થતાં જ રાજ્યભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને આરોગ્ય વિભાગોએ મેદાનમાં ઉતરીને સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે. વેપારીઓના સ્ટોક, બિલો, ખરીદીના રેકોર્ડ અને ઉત્પાદનોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જ્યાં પણ નિયમોનો ભંગ જોવા મળશે ત્યાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
અમદાવાદમાં AMC અને આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ
અમદાવાદમાં આરોગ્ય વિભાગ અને AMCની હેલ્થ ટીમે નરોડા સહિત વિવિધ ઝોનમાં સઘન તપાસ શરૂ કરી છે. ડેરી, હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ યુનિટમાંથી શંકાસ્પદ પનીર, ચીઝ અને બટરના સેમ્પલ લેવામાં આવ્યા છે. તમામ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. જો કોઈ ઉત્પાદન એનાલોગ હોવાનું અથવા ધોરણ વિરુદ્ધ હોવાનું બહાર આવશે તો સંબંધિત વેપારી સામે કડક કાર્યવાહી થશે.

ગાંધીનગરમાં હોટલ-રેસ્ટોરન્ટ તંત્રના રડાર પર
ગાંધીનગર મનપા વિસ્તારમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ એકમોમાં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે કે નહીં તેની તપાસ હાથ ધરાઈ છે. નિયમનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

વડોદરામાં ચાર ટીમો મેદાનમાં
વડોદરાના સરદાર એસ્ટેટ સહિત વિવિધ વિસ્તારોમાં ચાર અલગ-અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વેપારીઓના બિલો, સ્ટોક અને ખરીદીની વિગતો ચકાસવામાં આવી રહી છે. વેપારીઓને સરકારના નવા નિયમો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
જામનગરમાં દરોડા, 12 કિલો એનાલોગ પનીરનો સ્થળ પર જ નાશ
જામનગરમાં મનપાની ફૂડ શાખાએ કાર્યવાહી દરમિયાન એક પિઝા આઉટલેટમાંથી આશરે 12 કિલો એનાલોગ પનીર ઝડપી પાડ્યું હતું. તપાસ બાદ સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રતિબંધના અમલ માટે શહેરમાં સતત ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે.

વલસાડમાં પણ તપાસ તેજ, વેપારીઓને ચેતવણી
વાપી અને વલસાડમાં એનાલોગ પનીરના વેચાણને લઈને ચર્ચા વચ્ચે ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે. કેટલાક સ્થળોએ પ્રતિબંધ બાદ પણ વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવતા અધિકારીઓએ તપાસ હાથ ધરી છે અને વેપારીઓને કાયદાનું પાલન કરવાની કડક સૂચના આપી છે.
ડોક્ટરોએ પણ આપી ચેતવણી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે એનાલોગ પનીર કુદરતી દૂધમાંથી બનતું નથી. તેમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું અને ફેટની ગુણવત્તા અલગ હોઈ શકે છે. લાંબા સમય સુધી આવા ઉત્પાદનોનું સેવન કરવાથી ગેસ, ઉબકા, પાચનની સમસ્યાઓ ઉપરાંત ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય આરોગ્ય સંબંધિત જોખમો વધી શકે છે.
લોકોના સ્વાસ્થ્ય માટે હવે ઝીરો ટોલરન્સ
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે એનાલોગ પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન, વેચાણ, પરિવહન કે સંગ્રહ કરનાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનો ચેડાં સહન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: એનાલોગ પનીર પર સરકારનો સખત પ્રહાર, વડોદરામાં સઘન ચેકિંગ તો રાજકોટમાં વેપારીનો ખુલાસો
આ પણ વાંચો: પનીર અસલી છે કે ‘એનાલોગ’? ગુજરાતની હોટલ-રેસ્ટોરન્ટમાં હવે ફરજિયાત બોર્ડ મારવા પડશે
