Gujarat Government Paneer Rules: જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. રાજ્યમાં વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના દૂષણને રોકવા માટે ગુજરાત સરકાર હવે ફૂલ એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક આદેશ આપ્યો છે કે હવેથી દરેક હોટલ અને રેસ્ટોરન્ટે ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર અસલી છે કે ‘એનાલોગ’, તેની જાણકારી બોર્ડ પર ફરજિયાત દર્શાવવી પડશે.
શું છે આ ‘એનાલોગ Paneer ‘?
સામાન્ય રીતે પનીર શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવે છે, પરંતુ ‘એનાલોગ પનીર’ એ દૂધનું પનીર નથી. તે પામોલિન તેલ, વનસ્પતિ ઘી, મિલ્ક પાવડર અને વિવિધ કેમિકલ્સના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. તે દેખાવમાં અસલી જેવું જ લાગે છે, પરંતુ તેમાં કુદરતી પોષક તત્વો હોતા નથી અને હાનિકારક ફેટ્સનું પ્રમાણ વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
નિયમનું ઉલ્લંઘન કરનારનું લાઇસન્સ થશે રદ
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. તેથી, જે હોટલધારકો એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તેમણે કાઉન્ટર પર અથવા મેનુ કાર્ડની પાસે “અહીં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે” તેવું સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે. જો કોઈ હોટલ આ નિયમનું પાલન નહીં કરે, તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેમનું લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
નકલી પનીર ઝડપાતા તંત્ર હરકતમાં
આ કડક નિર્ણય પાછળ તાજેતરમાં સુરતમાં થયેલી કાર્યવાહી જવાબદાર છે. સુરત પાલિકાના આરોગ્ય વિભાગે દરોડા દરમિયાન 1400 કિલો સબ-સ્ટાન્ડર્ડ એનાલોગ પનીર ઝડપી પાડ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે નફો વધારવા માટે તેલ અને પાવડરના મિશ્રણવાળા પનીરનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આ ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અસલી અને નકલી પનીર કેવી રીતે ઓળખશો?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તમે ઘરે પણ પનીરની શુદ્ધતા તપાસી શકો છો. ટેક્સચરની વાત કરીએ તો અસલી પનીર નરમ હોય છે અને મસળતા તે દાણાદાર બની જાય છે, જ્યારે એનાલોગ પનીર રબર જેવું ખેંચાય તેવું હોય છે. આ ઉપરાંત, એનાલોગ પનીરને ગરમ કરવા પર તે વનસ્પતિ તેલ છોડવા લાગે છે. સ્વાદ પારખવામાં પણ તફાવત જોવા મળે છે, અસલી પનીરનો સ્વાદ મીઠો અને દૂધ જેવો હોય છે, જ્યારે નકલી પનીરમાં તેવો કોઈ કુદરતી સ્વાદ આવતો નથી.
“પૈસા તમે ચૂકવો છો, તો શુદ્ધ મેળવવાનો તમારો હક છે”
આરોગ્ય મંત્રીએ જનતાને પણ જાગૃત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે હોટલમાં જતી વખતે અચૂક પૂછો કે પનીર કયું વાપરવામાં આવ્યું છે. લગ્નગાળો અને ઉત્સવોમાં જ્યારે પનીરનો વપરાશ વધે છે ત્યારે ભેળસેળિયા તત્વો પર લગામ કસવા માટે સરકારનું આ વિશેષ અભિયાન નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા કરશે.
આ પણ વાંચો:અમદાવાદમાં 1500 કિલોનો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચો:સુરતમાંથી ફરી શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચો:સુરતમાં ફરી એકવાર શંકાસ્પદ નકલી પનીર મળી આવ્યું, આરોગ્ય વિભાગના દરોડા યથાવત
