Kutch News: કચ્છમાં સોપારી (Betelnut) ની આયાતનું મોટું કૌભાંડ (Scam) પકડાયું છે. તેના તાર છેક અમદાવાદ સુધી જોડાયા છે, કારણ કે ગેરકાયદેસર રીતે મંગાવાયેલી આ સોપારીના ખરીદદારો અમદાવાદના હતા. કચ્છમાં સાઇબર ક્રાઇમની પોલીસની ટીમે ભચાઉ તાલુકાના આધોઈ ગામે દરોડો પાડીને 26,650 કિલો સોપારીનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ સોપારી છેક ઇન્ડોનેશિયાથી (Indonesia) મંગાવવામાં આવી હતી. જ્યારે તેના કર્ણાટકથી (Karnataka) અંજારના (Anjar) ખોટા ઇ-વે બિલ (Eway bill) બનાવવામાં આવ્યા હતા. આ બિલ વગરની સોપારનું ખુલ્લા બજારમાં કે વેચાણ કરવા માટે અમદાવાદના બે અને ગાંધીનગરના એક જણ ગયા હોવાનો પર્દાફાશ પણ આમાં થયો છે.
આમ સોપારીના કૌભાંડના તાર છેક અમદાવાદને અડ્યા છે. હવે આ સોપારી કયા બંદર પર મંગાવવામાં આવી હતી, ક્યાં ઉતારવામાં આવી હતી અને ત્યાંથી કચ્છ કેવી રીતે લાવવામાં આવી તેની તપાસ કચ્છ પોલીસ કરી રહી છે. પોલીસે આધોઈ ગામના રહેણાક મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાન માલિક ઉપરાંત ત્રણ દલાલ અને એક એજન્ટની ધરપકડ કરી હતી. બે દલાલ અમદાવાદના હતા અને એક ગાંધીનગરનો હતો. આના આધારે સોપારીના ગેરકાયદે વેચાણના આંતરરાજ્ય નેટવર્કનો ઘટસ્ફોટ થઈ શકે છે.
આ કેસની ફરિયાદ કચ્છના સામખિયાળી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. પોલીસે આધોઈ ગામના સાહુનગરમાં જે મકાનમાં દરોડો પાડ્યો ત્યાંથી આખુ સોપારી ભરેલું કન્ટેનર મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સિવાય બે વૈભવી કાર પણ પોલીસે જપ્ત કરી હતી. આટલા નાના ગામમાં આ વૈભવી કાર કોઈને પણ અચંબો પમાડે તેવી હતી. પોલીસે એક કરોડથી વધુ રકમની સોપારી અને અન્ય મુદ્દામાલ સાથે દોઢ કરોડથી વધુ રકમનો માલસામાન જપ્ત કર્યો હતો.
વાસ્તવમાં આ રીતે પકડવાનું કારણ એટલું જ છે કે સરકારી તિજોરીમાં ટેક્સના સ્વરૂપમાં મોટું ગાબડું પાડીને આ જથ્થો ગુજરાતમાં ઘૂસી આવ્યો છે. જો તેનો ટેક્સ ભરવામાં આવ્યો હોત તો પોલીસે આ દરોડો પાડવાની જરૂર જ પડી ન હોત. કોર્ટે આ સાતેય આરોપીના ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા છે. સોપારીના જથ્થાનું ઇ-વે બિલ છ જાન્યુઆરીના રોજ જનરેટ કરવામાં આવ્યું હતું, જે કર્ણાટકથી અંજારનું હતું. આ બિલ ખોટું હોવા છતાં તેનો સાચા બિલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કચ્છ રેન્જ સાઇબર સેલે આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. આ ફોનનો ડેટા તપાસીને સોપારીની ગુનેગારોએ કરેલી ગેરકાયદે આયાત અને વેચાણ નેટવર્કની તપાસ શરૂ કરી છે. આના તાર દેશમાં ક્યાં-ક્યાં જોડાયેલા છે તેની ચકાસણી પણ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો: ભચાઉમાં સોપારી માફિયાઓ પરની કાર્યવાહીમાં 151 કરોડનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો: ભચાઉના વોંધ પાસે ભયંકર અકસ્માત, મીની બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર બાદ બસમાં લાગી ભીષણ આગ
આ પણ વાંચો: ખાવડા નેશનલ હાઇવે પર બેફામ ચાલતા ઓવરલોડ વાહનો સર્જી રહ્યા છે જાનહાનિ
