ગુજરાતમાં 1,500 કરોડના જમીન કૌભાંડમાં કૌભાંડ કરનારા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના સમર્થનમાં માંડલમાં પાટીદાર સમાજ ઉતર્યો છે. હવે વિચાર કરો કે આ ઘટના બતાવે છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. સામાન્ય રીતે તો પહેલાં કોઈ ગુનામાં સંડોવાય કે તેની સામે આક્ષેપ પણ થાય તો સમાજમાં તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતું હતું, તે વ્યક્તિને સમાજમાં મોં બતાવવાનું ભારે પડી જતું હતુ. તે કોઈના ઘરે પગ મૂકી શકતો ન હતો. તેને દીકરી આપતા કે દીકરી દેતા પણ સો વખત વિચાર કરવામાં આવતો હતો. પણ સમય વીતવાની સાથે આ જ સમાજની માનસિકતા ગણતરીના દાયકામાં કેવી બદલાઈ જાય છે તેનો પુરાવો હોય તો ડો. રાજેન્દ્ર પટેલને સાંપડેલનું સમાજનું સમર્થન છે.
ડો. રાજેન્દ્ર પટેલે કલેક્ટર બનીને સમાજનું નામ રોશન કર્યુ, પરતુ કૌભાંડ કરીને ચોક્કસપણે પોતાનું અને સમાજનું નામ બોળ્યું છે તે હકીકત છે. તેમણે કૌભાંડ કર્યુ હોવાના ઢગલાબંધ પુરાવા છે, તેમની ધરપકડ સુદ્ધા કરવામાં આવી ચૂકી છે. આમ છતાં ગુજરાતી અને પાટીદારના નામે ચાલેલો જ્ઞાતિવાત એટલો ચરમસીમાએ પહોંચ્યો છે કે તેઓ તે સમજવા જ તૈયાર નથી કે ભાઈ ગુનો એ ગુનો છે. ગુનેગારને સમાજના નામે બચાવવાનો ન હોય, તેને નશ્યત કરવાની હોય. તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય. હવે કલેક્ટરને કંઈ રાતોરાત ફાંસીએ ચડાવી દેવાયા નથી. તેમની સામે જે પણ થઈ રહ્યુ છે તે કાયદાકીય કાર્યવાહી મુજબ જ થઈ રહ્યુ છે.
આ બધા વચ્ચે પાટીદાર સમાજે કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં માંડલમાં બેઠક બોલાવીને તેમની બુદ્ધિનું દેવાળું ફૂંક્યુ હતુ. તેમા બધા સામાજિક આગેવાનો ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બધા રાજકીય આગેવાનો પણ એક જ મંચ હતા. તેમની આ પ્રકારની હાજરીએ તો ઉપસ્થિત લોકોને અને પાટીદાર સમાજને પણ તે વાતની પ્રતીતિ કરાવી હતી કે તેઓ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સમર્થન આપીને કશું ખોટું કરી રહ્યા નથી. તેઓએ આ બનાવને લઈને આક્ષેપોનો દોર શરૂ કરી દીધો હતો કે ગુજરાતી અધિકારીઓ અને તેમા પણ પાટીદારી અધિકારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પરપ્રાંતીય અધિકારીઓ પણ લાંચ લે જ છે, તેમની સામે પણ કેમ કેસ થતા નથી. તેમની પાસે પણ અપ્રમાણસર મિલકત છે છતાં પણ તેમને હાથ પણ લગાવવામાં આવતો નથી. ફક્ત ગુજરાતી અધિકારીને જ કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
1,500 કરોડના જમીન કૌભાંડના કેસમાં પકડાયેલા બધા ગુજરાતી છે, પણ શું ફક્ત ગુજરાતી હોવાના કારણે તેમને આરોપી તરીકે નિર્દોષ ઠેરવી દેવાના તે કયા પ્રકારની વાત છે. આ પહેલાં પણ જ્યારે પણ કૌભાંડી અધિકારી પકડાયા છે ત્યારે તેમની સામે કાર્યવાહી તો કરવામાં આવી જ છે. શું ફક્ત પાટીદાર અને ગુજરાતી હોવાનું લેબલ તેનો પુરાવો છે કે તમને જે પણ કરવું હોય તે કરવાની છૂટ મળી જાય. તમે છડે ચોક લાંચ પણ લઈ શકો અને પછી ગુજરાતી કે પાટીદાર તરીકેની ઓળખ બતાવીને છૂટી જાવ. આ કંઈ એવું ટેગ નથી કે તેના આધારે તમને બધું જ કરવાની છૂટ મળી જતી હોય.
કહેવાતા પાટીદાર આગેવાન વરુણ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 50 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. આ આગેવાન બોલી તો ગયા, પણ જ્યારે સાબિત કરવાનું કહેવામાં આવશે કે પુરાવા માંગવામાં આવશે તો ત્યારે તે દેખાશે પણ નહી. તેઓનો દાવો છે કે નોન ગુજરાતી અધિકારીઓએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યુ છે. હવે વાસ્તવમાં ખરેખર તેમની પાસે આ બધી વિગત હોય તો તેને લઈને કોર્ટના દરવાજા ખખડાવે. અહીં પાટીદાર સમાજમાં બોલવાથી શું વળશે, તે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કેમ કરતાં નથી. ફક્ત થૂંક ઉડાડવાથી કોઈની સામે કાર્યવાહી ન થાય, પુરાવા આપવા પડે. આ બધાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરાશે, પણ તે કયારે કરાશે, કોર્ટમાં ક્યારે જઇશું તેની કોઈપણ પ્રકારની ટાઇમલાઇન આપતાં નથી. બસ ખાલી ફીફા જ ખાંડવા છે.
તેઓએ દાવો કર્યો હતો કે રાજેન્દ્ર પટેલને ષડયંત્ર રચીને પદ્ધતિસર ફસાવવામાં આવ્યા છે, હવે જો તેમના દાવામાં આટલું તથ્ય હોય તો તેમણે રાજેન્દ્ર પટેલની ધરપકડને કોર્ટમાં પડકારવી જોઈએ, તેમના સમર્થનમાં પુરાવા રજૂ કરવા જોઈએ. આ ષડયંત્રને ખૂલ્લુ પાડવું જોઈએ. કોઈપણ પ્રક્રિયાનું પાલન ન કરવું અને જાહેર મંચ મળે ત્યાં બકવાસ કરવાથી કંઈ રાજેન્દ્ર પટેલ બહાર નહીં આવી શકે. તેઓએ બહાર આવવું હશે તો જે પ્રક્રિયાથી અંદર ગયા છે, તે જ પ્રક્રિયાનું પાલન કરીને જ બહાર આવી શકશે. આ રીતે સમાજના આંદોલનો અને એક ગામડામાં સભા કરવાથી કશું નહીં થાય. જો તેમને અન્યાય થયો હોય તો તેમના માટે પણ કોર્ટના દરવાજા ખુલ્લા છે.
પાટીદાર નેતાઓએ દાવો કર્યો છે કે મુસ્લિમના કહેવાથી પાટીદાર નેતાને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર તો બધા જ અધિકારી કરે છે તો રાજેન્દ્ર પટેલને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ પ્રકારના દાવા સાથે હવે તેઓ ભ્રષ્ટાચારને પણ કોમવાદનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે મુસ્લિમ હોય એટલે શું તે ભ્રષ્ટાચાર સામે ફરિયાદ પણ ન કરે તેવી વાત જાણે કરી રહ્યા છે. મુસ્લિમની ફરિયાદથી હિંદુ સામે ઇડી કાર્યવાહી કરતી હોય તેવી હિંદુવાદી સરકાર આપણને નથી જોઈતે તેમ તેમણે જણાવ્યું હતું. આમ ભ્રષ્ટાચારના આખા આ કેસને હવે તે કોમવાદના રંગે રંગવા માટે પ્રયત્નશીલ છે. અગાઉ ધાર્મિક લાગણીઓના નામે જે થતું હતું તે હવે ભ્રષ્ટાચારમાં પણ થવા લાગ્યુ છે. આ પ્રકારની બેઠકો કરવાથી રાજેન્દ્ર પટેલનું કોઈ ભલું થવાનું નથી. જો તેમને ખરેખર રાજેન્દ્ર પટેલ નિર્દોષ લાગતા હોય તો તેઓએ અત્યાર સુધી તેમના બચાવમાં સમ ખાવા માટે અરજી પણ કરી નથી, ખાલી લિપ સર્વિસ કરવાથી રાજેન્દ્ર પટેલ બહાર નહી આવે. રાજેન્દ્ર પટેલ ઇડીની સર્વિસના કારણે અંદર ગયા છે અને બહાર લાવવા કોર્ટનો કેસ મજબૂત રીતે લડવો પડશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
