Ahmedabad Vasna SMC Drugs Raid: ગુજરાતમાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એક્શન મોડમાં છે. ગાંધીનગર સ્થિત SMCની ટીમે અમદાવાદના વાસણા વિસ્તારમાં દરોડા પાડીને ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં લાખોની કિંમતનું MD ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ગુપ્ત બાતમી અને સફળ ઓપરેશન
SMC ના PSI કે. ડી. રવિયાને ચોક્કસ બાતમી મળી હતી કે વાસણા વિસ્તારમાં ડ્રગ્સ (Drugs) નું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે વાસણા વિસ્તારમાં દરોડા પાડતા ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા આરોપીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પ્રધાનપુર સોસાયટીના રહેવાસી છે અને લાંબા સમયથી નશાનો કાળો કારોબાર ચલાવતા હતા.
₹12.80 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન અંદાજે ₹12.80 લાખની કિંમતનો ઘાતક નશીલો પદાર્થ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં ₹9.40 લાખની કિંમતનું 37.62 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ અને ₹3.40 લાખની કિંમતનો 1 કિલોગ્રામ 945 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
રાજકોટ સુધી ફેલાયેલા તારની તપાસ
આ માત્ર એક છૂટક વેચાણનો કિસ્સો નથી, પરંતુ એક મોટા નેટવર્કનો ભાગ હોવાનું પોલીસ માની રહી છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ (Drugs) ના તાર ઉમરાસ રોડથી લઈને રાજકોટ સુધી જોડાયેલા હોવાનું ખૂલ્યું છે. SMCની ટીમ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
ઝડપાયેલા તમામ આરોપીઓ સામે NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી અમદાવાદના ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ મચી ગયો છે
