Surat News: સુરત (Surat)માં MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ થયો છે. ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબમાં તંત્રએ દરોડા પાડ્યા છે. ડ્રગ્સ લેબોરેટરીનું છેક લંડન કનેકશન પણ સામે આવ્યું છે. લંડનમાં રહેતો યુવક જનક આ ડ્રગ્સ લેબોરેટરી ચલાવતો હોવાનો પર્દાફાશ થયો છે. તેઓ હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન નામનું ડ્રગ્સ બનાવતા હતા.

Suratમાં MD ડ્રગ્સનું વેચાણ
સુરત SOGએ રૂ. 20 લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ કરી છે. આરોપીઓ MD ડ્રગ્સ બનાવીને શહેરમાં વેચતા હતા. સુરતના પુણા વિસ્તારમાં આવેલી લેબોરેટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું.
માસ્ટર માઇન્ડ જનક નાણાકીય સહાય મોકલતો હતો. પહેલી જાન્યુઆરી જીલ ઠુમ્મર ડ્રગ્સ સાથે સુરતમાં ઝડપાયો હતો. પોલીસે પકડેલા જિલની તપાસ કરતાં તેનો તાર છેક લેબોરેટરી સુધી પહોંચ્યો હતો.

લેબ ટેકનિશિયનની ધરપકડ
પોલીસે આ કેસમા લેબ ટેકનિશિયન બ્રજેશ ભાલોડિયાની ધરપકડ કરી છે. જ્યારે ખુશાલ રાણપરીયા અને ભરત લાઠિયા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં લેબોરેટરી ચલાવવામાં આવતી હતી. ત્રણ જેટલા ઇસમો લેબમાં ક્રિસ્ટલ બેઝ ડ્રગ્સ બનાવતા હતા. પોલીસ તપાસમાં જાણવામાં આવ્યું હતું કે શહેરમાં રિસર્ચના નામે આખી લેબ ભાડે આપવામાં આવી હતી.

વાસ્તવમાં ભાડે આપવામાં આવેલી લેબમાં ગોરખધંધા ચાલતા હતા. આ લેબનું લંડન કનેકશન ખૂલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ લેબનો માસ્ટર માઇન્ડ જનક લંડનમાં છે. ડી ક્રિયા લેબનો એક ભાગ ભાડે આપનારા સંચાલકો પણ શંકાના ઘેરામાં છે. મિત્રતાની આડમાં બ્રિજેશ ડ્રગ્સ બનાવવાનું કારખાનું ચલાવતો હતો. આ લેબોરેટરીમાં ખાનગી રીતે હાઇલી પ્યુરિફાઇડ ડ્રગ્સ તૈયાર કરવામાં આવતુ હતુ. તેની શંકા જતા સંચાલકોએ પોતે પણ તેનો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો હવે મોટો પુરાવો છે. વિડીયો સાથે પોલીસને જાણ કરવામાં આવતા મોટો ભેદ ખૂલ્યો છે. પોલીસે આ તપાસમાં ઊંડા ઉતરતા સુરતની લેબથી લંડન સુધી ફેલાયેલું ડ્રગ્સ નેટવર્ક સામે આવ્યું છે.
હજી થોડા મહિનાઓ પહેલાં જ સુરતની પોલીસે સુરતના ગોદાદરા વિસ્તારની એક હોટલમાંથી ₹2.53 લાખના MD ડ્રગ્સ જપ્ત કર્યા. આ કાર્યવાહીમાં રાજસ્થાનના પાલીના બે ડ્રગ્સ દાણચોરો, આકિબ અને દિનેશની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ ડ્રગ્સ વેચવાના ઇરાદાથી સુરત આવ્યા હતા. પોલીસે આ ઓપરેશનના માસ્ટરમાઇન્ડ રવિ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો છે, પરંતુ તે હાલમાં ફરાર છે.
રાજસ્થાનના પાલીથી બે પેડલર ડ્રગ્સ વેચવા આવ્યા હતા
સુરત પોલીસ SOGને ગોદાદરા વિસ્તારની એક હોટલમાં ડ્રગ્સનો (MD Drugs) વેપાર થઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.આ માહિતીના આધારે કાર્યવાહી કરતા,પોલીસે તાત્કાલિક હોટલ (Hotel) પર દરોડો પાડ્યો અને 25.3 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે કિંમત ₹2.53 લાખ છે. દરોડા દરમિયાન, રાજસ્થાનના પાલીના રહેવાસી, આકિબ અને દિનેશ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
ડ્રગ્સ વેચનાર પાલીના રવિ બિશ્નોઇને વોન્ટેડ જાહેર કર્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આકિબ અને દિનેશ રાજસ્થાનના પાલીથી સુરતમાં ડ્રગ્સનો મોટો જથ્થો લાવ્યા હતા. તેઓ રવિ બિશ્નોઈ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા ડ્રગ નેટવર્કનો ભાગ છે. રવિ બિશ્નોઈ આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે, અને પોલીસે તેના માટે વોન્ટેડ નોટિસ જારી કરી છે. પોલીસને એવી પણ શંકા છે કે આરોપીઓ સુરતમાં ડ્રગ્સ વેચવા માટે ચોક્કસ ગ્રાહકોના સંપર્કમાં છે. પોલીસ હાલમાં આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. ખાસ કરીને, સુરતમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ કોણ અને કયા હેતુથી વેચવા જઈ રહ્યું હતું તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
અગાઉ સુરત (Surat) શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) એક મોટા ડ્રગ રેકેટ (Drug Racket)નો પર્દાફાશ કરી વોન્ટેડ આરોપી યશ બૂટલેગરની લાજપોર ગામમાંથી ગાંજો મંગાવતા બાતમી અને લોકેશનનાં આધારે ધરપકડ કરી હતી, જે થાઈલેન્ડથી ‘હાઇબ્રિડ ગાંજો’ આયાત (Import) કરીને સુરતમાં સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ સમગ્ર સોદો સ્નેપચેટ પર ગાયબ થઈ રહેલા સંદેશાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આરોપીઓ ગાંજો લઈને સુરતમાં પ્રવેશી રહ્યા હતા અને જ્યારે પોલીસે આરોપીઓને પકડીને વાહનની તપાસ કરી ત્યારે તેમાંથી 1.33 કિલો હાઇબ્રિડ ગાંજો (Hybrid Drugs) મળી આવ્યો હતો.
