Ahmedabad News: અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં મોતી હમામની પોળ નજીક આવેલી નવતાડની પોળમાં આજે અચાનક એક જૂનું મકાન ધરાશાયી (Building collapse) થઈ જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ઇમારતના કાટમાળ નીચે બે થી ત્રણ લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગને તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી અને બચાવ કામગીરી માટે બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. ફાયર ટીમો અને સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદના જૂના શહેર વિસ્તારમાં ફરી એકવાર જર્જરીત મકાન પડવાની ઘટના સામે આવી છે. ઘી-કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે આવેલા નવતાડની પોળમાં મકાન ધરાશાયી (Building collapse) થતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.આ ઘટનામાં એક મહિલાનું ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન મોત થયું છે.
મકાન પડતાં કાટમાળ નીચે ત્રણ લોકો દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ
ફાયર બ્રિગેડની બે ટીમે ગણતરીની મિનિટોમાં કાટમાળ નીચે દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢ્યા હતા. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ આમાંથી એક મહિલાનું ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન મોત થયું છે.
મૃતક મહિલાની ઓળખ પુષ્પાબેન પંચાલ (ઉંમર 62 વર્ષ) તરીકે થઈ છે.
ડ્રેનેજ ખોદકામને કારણે મકાન પડ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

ઘટનાને લઈને સ્થાનિક રહેવાસીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ગંભીર આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ AMC દ્વારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ખોદવાની કામગીરી ચાલી રહી હતી અને ડ્રિલિંગના કારણે મકાનમાં ધ્રુજારી થઈ, જેના પરિણામે મકાન ધરાશાયી (Building collapse) થયું.
આ ઘટનામાં કોર્પોરેશનના બે મજૂર પણ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે ઘરમાં હાજર એક મહિલા પણ ઘાયલ થઈ હતી.
સ્થાનિક નિવેદન: “ડ્રેનેજ કામથી ધ્રુજારી થઈ અને મકાન પડ્યું”
સ્થાનિક દુષ્યંત અગ્રાવતે જણાવ્યું હતું કે,
“કોર્પોરેશનનું ડ્રેનેજ કામ ચાલી રહ્યું હતું. ધ્રુજારી થતાં મકાન પડી ગયું. પહેલા માળે ઉંમરલાયક માજી હતા, જેમને ગંભીર ઈજા થઈ છે. AMC અલગ-અલગ જગ્યાએ ખોદકામ કરે છે.”
ધારાસભ્ય કૌશિક જૈન ઘટનાસ્થળે પહોંચ્યા

ઘટનાની જાણ થતાં દરિયાપુરના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,
“નવતાડની પોળમાં મકાન પડવાની ઘટના અંગે જાણ થતા તાત્કાલિક ફાયર અને એસ્ટેટ વિભાગને જાણ કરી હતી. મળતી માહિતી મુજબ પુષ્પાબેન પંચાલનું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.”
“જૂના શહેરમાં મકાનો જર્જરીત, રિપેર મંજૂરી આપવી જોઈએ”
ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, “કોટ વિસ્તારમાં મોટાભાગના મકાનો 100 વર્ષથી પણ વધુ જૂના અને જર્જરીત હાલતમાં છે. જે લોકો મકાન રિપેર કરવા માંગે છે તેમને કોર્પોરેશને મંજૂરી આપવી જોઈએ.” તેમણે ઉમેર્યું કે મકાન માલિકો અને ભાડુઆતો વચ્ચેના વિવાદોના કારણે ઘણી વખત મકાનોનું રિપેરિંગ થતું નથી, જેનાથી આવી ઘટનાઓ બને છે.
પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા સ્થળ સીલ
ઘટનાની ગંભીરતા જોતા પોલીસ ટીમ પણ તરત જ સ્થળે પહોંચી હતી. પોળમાં લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
AMCની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.
ડીસીપી ઝોન-2 ભરત રાઠોડ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
હાલની સ્થિતિ

ત્રણ લોકો રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે એક મહિલાનું મોત નિપજ્યુ છે. ઉપરાંત AMCના બે મજૂર ઇજાગ્રસ્ત થયા છે. મકાન ધરાશાયી (Building collapse) થવાના કારણોની તપાસ ચાલુ છે. જ્યારે આ વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે.
