Thakor samaj: ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરના સેક્ટર-11 વિસ્તારમાં ઠાકોર સમાજ દ્વારા મોડી રાત સુધી ચાલેલી મોટી બેઠક યોજાઈ હતી, જેમાં સમાજ માટે નવું બંધારણ બનાવવામાં આવ્યું હતું. આ બંધારણનો મુખ્ય હેતુ સમાજમાં શિસ્ત, સંસ્કાર અને ખર્ચ નિયંત્રણ લાવવાનો હતો. ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં વધતા ખર્ચને નિયંત્રિત કરવા માટે વરઘોડા અને ડીજે પર પ્રતિબંધ મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Thakor samaj: નિર્ણય બાદ સમાજમાં આંતરિક વિવાદ
પરંતુ આ નિર્ણય બાદ સમાજમાં આંતરિક વિવાદ શરૂ થયો છે. અર્જુન ઠાકોર નામના કલાકારે પોતાના લગ્નમાં ડીજે વગાડ્યા બાદ બંધારણના ઉલ્લંઘનનો મુદ્દો ઊભો થયો. આ ઘટનાને ગંભીરતાથી લઈ જાબડીયા ગામ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં સર્વસંમતિથી બંનેને એક વર્ષ માટે સમાજ બહાર મુકવાની સજા જાહેર કરવામાં આવી હતી.
સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, બંને વ્યક્તિઓએ વારંવાર સમાજની પરંપરા, નિયમો અને શિસ્તને નુકસાન પહોંચાડ્યું હતું. તેથી સમાજે નક્કી કર્યું કે સામાજિક, આર્થિક તેમજ ધંધાકીય કોઈપણ પ્રકારનો સહકાર તેમને આપવામાં નહીં આવે. સાથે જ સમાજે વધુ એક કડક નિર્ણય લીધો કે જો કોઈ વ્યક્તિ ગબ્બર કે અર્જુન ઠાકોરને સહકાર આપશે, તો તેને પણ દોષિત ગણવામાં આવશે અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
Thakor samaj: અર્જુન અને ગબ્બર ઠાકોરને સમાજ બહાર કરાયા
સોશિયલ મીડિયાને લઈને પણ સમાજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમાજના તમામ સભ્યોને અર્જુન અને ગબ્બર ઠાકોરને સોશિયલ મીડિયા પરથી અનફોલો કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી સમાજના નિર્ણયનું સંપૂર્ણ પાલન થાય. સમાજના વડીલોના જણાવ્યા અનુસાર, આવા કડક પગલાં સમાજની એકતા, શિસ્ત અને ગૌરવ જાળવવા માટે જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ સભ્ય નિયમો ભંગ કરવાની હિંમત ન કરે.
આ સમગ્ર મામલે હવે પ્રખ્યાત લોક ગાયક અને કલાકાર વિક્રમ ઠાકોર પણ મેદાને આવ્યા છે. તેમણે અર્જુન ઠાકોર અને ડીજેના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે અને સમાજના આગેવાનોની ટીકા કરી છે. વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે બંધારણ બનાવતી વખતે પણ તેમણે ડીજે મુદ્દે વિચાર કરવા કહ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, ડીજે પર પ્રતિબંધથી અનેક કલાકારો બેકાર બની ગયા છે અને રોજગાર પર અસર પડી છે.
Thakor samaj: દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને ખુલ્લો પડકાર ફેંક્યો
બીજી તરફ, ઠાકોર સેનાના સભ્ય દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે વિક્રમ ઠાકોરે સમાજના બંધારણના લીરેલીરા ઉડાવ્યા છે અને સમાજના કારણે જ તેમની ઓળખ બની છે. દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમ કરવાની ચેલેન્જ પણ આપી છે અને જણાવ્યું છે કે સમાજ વિના વિક્રમ ઠાકોર કંઈ કરી શકશે નહીં.
આ સમગ્ર વિવાદ હવે માત્ર સમાજના નિયમો પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ સમાજની એકતા, પરંપરા અને આધુનિક વિચારધારાની વચ્ચેની લડાઈ બની ગયો છે. આવનારા સમયમાં આ મુદ્દે સમાજ અને કલાકારો વચ્ચે વધુ ઘર્ષણ જોવા મળી શકે છે.
આ પણ વાંચો:ડીજેને લઈને ઠાકોર સમાજમાં વિભાજનઃ વિક્રમ ઠાકોર અને ગેનીબેન સામસામે
આ પણ વાંચો:ઠાકોર સમાજની બેઠકમાં મોટો નિર્ણય, ગબ્બર ઠાકોર સમાજની બહાર
આ પણ વાંચો:ઠાકોર સમાજમાં DJ વ્યવસાય મુદ્દે વિવાદ તેજ, વિક્રમ ઠાકોરની રજૂઆત પર ગેનીબેન ઠાકોરનો જવાબ
