Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાબડીયા ગામે યોજાયેલી ઠાકોર સમાજ (Thakor Samaj) ની મહત્વપૂર્ણ બેઠકમાં સમાજના નવા બંધારણના ભંગ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બેઠક દરમિયાન સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજની બહાર મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યાનો આરોપ
સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પર આરોપ છે કે તેમણે ડીજે સાથે વરઘોડો કાઢીને ઠાકોર સમાજ(Thakor Samaj) ના નવા બંધારણનું ઉલ્લંઘન કર્યું હતું. આ મામલે ભારે વિવાદ સર્જાયા બાદ સમાજના આગેવાનો દ્વારા જાબડીયા ગામે બેઠક બોલાવવામાં આવી હતી.
મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર
આ બેઠકમાં બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજ(Thakor Samaj) ના લોકો હાજર રહ્યા હતા. ખાસ વાત એ છે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
ત્રણ પરિવારને સમાજ બહાર મુકાયા
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે બંધારણ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરિણામે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સાથે સાથે લહેરાજી રતનજી ઠાકોરને પણ સમાજ બહાર કરવામાં આવ્યા છે. ત્રણેય પરિવારને એક વર્ષ માટે સમાજ બહાર મુકવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
સમાજના આગેવાનોનો કડક સંદેશ
આ નિર્ણય દ્વારા સમાજના આગેવાનોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઠાકોર સમાજ (Thakor Samaj) ના બંધારણ અને નિયમોનું પાલન કરવું દરેક સભ્ય માટે ફરજિયાત છે અને ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.
