Ahmedabad Hu Nathuram Godse Play Protest : રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ ‘હું નથુરામ’ નાટકને લઈને રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે. મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના માસમાં જ નથુરામ ગોડસે પર આધારિત નાટકના આયોજન સામે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને યુથ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે. આજે 9 ફેબ્રુઆરીએ યોજાનારા આ નાટક પૂર્વે જ વિરોધની જ્વાળાઓ સિંધુભવન રોડ સુધી પહોંચી ગઈ છે.
દીવાલો પર સૂત્રોચ્ચાર અને કાળી શાહી
શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આજે આ નાટક ભજવવાનું આયોજન છે. આ પૂર્વે જ NSUI કાર્યકરોએ ઓડિટોરિયમની આસપાસની જાહેર દીવાલો પર ‘ગોડસે મુર્દાબાદ’ અને ‘ગાંધીજી અમર રહો’ જેવા સૂત્રો લખી પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. એટલું જ નહીં, કાર્યકરોએ નથુરામ ગોડસેના ફોટા પર કાળી શાહી લગાવીને પ્રતીકાત્મક રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

“ગાંધીની ભૂમિ પર ગોડસેનું મહિમામંડન નહીં ચાલે”
વિરોધ કરી રહેલા કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, ગુજરાત એ ગાંધીની ભૂમિ છે અને અહીં બાપુના હત્યારાનું મહિમામંડન કરતા કોઈપણ કાર્યક્રમને ચલાવી લેવામાં આવશે નહીં. NSUI દ્વારા આ નાટકનું પ્રદર્શન રોકવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ, આ નાટકની ટિકિટો ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાઈ રહી છે, જેને લઈને પણ વિવાદ વકર્યો છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્તની શક્યતા
સૌરાષ્ટ્રના શહેરોમાં થયેલા હંગામાને જોતા અમદાવાદ પોલીસ પણ એલર્ટ મોડ પર છે. આજે નાટક દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પૂરી શક્યતા છે. યુથ કોંગ્રેસ અને NSUIના આક્રમક વલણને જોતા આજના શો પર સંકટના વાદળો છવાયા છે.
આ પણ વાંચો: રાજકોટમાં ‘હું નાથુરામ ગોડ્સે’ નાટક સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
આ પણ વાંચો:રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ : ‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’
આ પણ વાંચો:જામનગરમા કોંગ્રેસનો હાથમા, માથા પર પાટા બાંધી નાટકીય વિરોધ
