Ahmedabad News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ‘શતાબ્દી શિક્ષા મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત ‘શતાબ્દી શિક્ષા મહોત્સવ’ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે નવા સ્કૂલ બોર્ડ ભવનનું લોકાર્પણ અને 15 સ્માર્ટ અનુપમ શાળાઓનું ઈ-લોકાર્પણ સાથે શ્રેષ્ઠ શાળાઓ અને શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા.

Gujarat Ahmedabad
Ahmedabad School Board

અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત ‘શતાબ્દી શિક્ષા મહોત્સવ’ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે નવરંગપુરા ખાતે રૂ.10.61 કરોડના ખર્ચે નિર્મિત નવા સ્કૂલ બોર્ડ ભવનનું લોકાર્પણ તેમજ રૂ.16.11 કરોડના ખર્ચે તૈયાર થયેલી 15 સ્માર્ટ અનુપમ શાળાઓનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.

અમદાવાદમાં (Ahmedabad) યોજાયો હતો કાર્યક્રમ

શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત શ્રેષ્ઠ 100 શાળાઓ અને 100 શિક્ષકોને સન્માનિત કરવાની પ્રક્રિયામાંથી પ્રતિકાત્મક રીતે 6 શ્રેષ્ઠ અનુપમ શાળાઓ અને 6 શ્રેષ્ઠ શિક્ષકોને ચેક, શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Ahmedabad, Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાપિત કરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજે 453 શાળાઓ સાથે વિશાળ વટવૃક્ષ બની છે. મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણના મંત્રને શાળાઓ સાકાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે સરકારી શાળાઓ પ્રત્યેની જૂની માન્યતાઓ બદલાઈ છે અને ખાનગી શાળાઓ છોડીને 56 હજારથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે.

મુખ્યમંત્રીએ નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તેમજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ડબલ એન્જિન સરકાર શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર આપી રહી છે. તેમણે AI અને ભવિષ્યલક્ષી શિક્ષણને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું.

રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાનું નિવેદન

કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે, ‘શતાબ્દી શિક્ષા મહોત્સવ’ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ગુજરાતની સંસ્કારિતા અને બૌદ્ધિક વિકાસનું જીવંત પ્રમાણ છે. તેમણે જણાવ્યું કે નવી શિક્ષણ નીતિ અને ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’ અંતર્ગત શાળાઓમાં ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે અને સરકાર આવતીકાલના ભારતના ભાગ્યવિધાતાઓને ઘડી રહી છે.

પ્રવેશ માટે વાલીઓને વેટિંગમાં રહેવું પડે છે

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, આજે સરકારી શાળાઓ એટલી સ્માર્ટ બની ગઈ છે કે પ્રવેશ માટે વાલીઓને વેટિંગમાં રહેવું પડે છે.નવનિર્મિત સ્કૂલ બોર્ડ ભવનમાં શિક્ષણ સમિતિના તમામ 18 વિભાગો એક જ છત હેઠળ કાર્યરત થવાથી વહીવટી કામગીરી વધુ ઝડપી અને સરળ બનશે, જેનાથી વાલીઓ અને પેન્શનરોને મોટી રાહત મળશે.

કાર્યક્રમમાં વિવિધ નેતાઓ હાજર રહ્યા

કાર્યક્રમમાં યુ. એન. મેહતા ફાઉન્ડેશન અને અમદાવાદ તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સરખેજ-ગાંધીનગર હાઈવેના બ્યુટીફિકેશન માટે એમઓયુ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજા, રાજ્યમંત્રી દર્શના વાઘેલા, ધારાસભ્યો, મ્યુનિસિપલ પદાધિકારીઓ, સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: