Ahmedabad News : અમદાવાદના પીપળજ ગામ નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. હર્ષ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં કેમિકલ અને ઓઇલમાં આગ (Fire)ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર કંપનીમાં જ્વલનશીલ કેમિકલ અને ઓઇલનો જથ્થો હોવાથી આગ(Fire) ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે બે કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. સ્થાનિક લોકોએ દૂરથી જ આગ(Fire)ની જ્વાળાઓ પણ નજરે જોયા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા દૂરથી પાણીનો મારો ચલાવી આગ (Fire)પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કેમિકલ અને ઓઇલના કારણે આગ વધુ પ્રચંડ બની જતા કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
આગની અસર એટલી વધુ હતી કે જ્વાળાઓ રોડ સુધી પહોંચી ગઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નજીકનો રસ્તો તાત્કાલિક બંધ કરી દેવાયો છે. હાલ ફાયર બ્રિગેડની ટીમો સતત કામગીરી કરી રહી છે અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલુ છે.

સદભાગ્યે હાલ સુધી કોઈ જાનહાનિ અંગે માહિતી મળી નથી, જોકે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને સાવચેતીના પગલાં હેઠળ રાખવામાં આવ્યો છે.
