Arvalli news/ બટાકાના ભાવ ગગડતા ખેડૂતો પાયમાલ! ધવલસિંહ ઝાલાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

અરવલ્લી જિલ્લામાં બટાકાના બજાર ભાવ ઘટતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) એ મુખ્યમંત્રીને પત્ર લખી આર્થિક સહાય અથવા ટેકાના ભાવે ખરીદી કરવાની રજૂઆત કરી છે.

Gujarat Top Stories Others
Dhavalsinh Zala Letter to CM

Dhavalsinh Zala Letter to CM: ગુજરાતમાં બટાકાના હબ ગણાતા અરવલ્લી જિલ્લાના ખેડૂતો અત્યારે ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. બટાકાના બજાર ભાવમાં આવેલા જંગી ઘટાડાને કારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતો માટે વિશેષ પેકેજ અથવા ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરી છે.

ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ પરત મળતો નથી

ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પત્રમાં જણાવ્યું છે કે, અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આ વર્ષે ખેડૂતોએ મોટા પાયે બટાકાનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ મોંઘા બીજ, ખાતર, મજૂરી અને સિંચાઈ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો છે. જોકે, હવે જ્યારે પાક તૈયાર થઈને બજારમાં આવ્યો છે, ત્યારે ભાવ એટલા નીચા છે કે ખેડૂતોને પડતર કિંમત પણ મળી રહી નથી.

Dhavalsinh Zala Letter to CM

આર્થિક સંકટની સ્થિતિ

બજારમાં બટાકાના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતો મજબૂરીવશ ઓછી કિંમતે પાક વેચી રહ્યા છે. વધતા ખર્ચ અને સામે મળતા નજીવા ભાવને કારણે જિલ્લાના હજારો ખેડૂત પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ સ્થિતિ જો લાંબી ચાલશે તો ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ શકે છે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.

Dhavalsinh Zala Letter to CM

ધારાસભ્ય Dhavalsinh Zalaની 2 મોટી માંગ

ખેડૂતોના હિતમાં મુખ્ય બે માંગણીઓ કરવામાં આવી છે, જેમાં પ્રથમ માંગણી એ છે કે જે ખેડૂતોને આ વર્ષે બટાકાના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેમને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર અથવા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. બીજી મહત્વની માંગણી ટેકાના ભાવે ખરીદી અંગેની છે; જ્યાં સુધી બજારમાં બટાકાના ભાવમાં સુધારો ન થાય ત્યાં સુધી સરકાર પોતે ટેકાના ભાવે (MSP) બટાકાની ખરીદી કરવાની યોગ્ય વ્યવસ્થા ઉભી કરે, જેથી ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ અને યોગ્ય ભાવ મળી રહે અને તેઓ આર્થિક પાયમાલીથી બચી શકે.

ધવલસિંહ ઝાલાએ આ મુદ્દે સરકારને તાત્કાલિક સંવેદનશીલતા દાખવી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા નમ્ર વિનંતી કરી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ આજીજી પર શું એક્શન લે છે.


આ પણ વાંચો: અરવલ્લી ફક્ત પર્વતમાળા નહીં ભારતની પ્રાકૃતિક સંરક્ષણ દીવાલ

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન ગડાધરના કર્યા દર્શન, અરવલ્લીને ₹167 કરોડની ભેટ..

આ પણ વાંચો: અરવલ્લી મુદ્દે SCનો ‘શીર્ષાસન’, પોતાના જ ચુકાદા પર લગાવી અસ્થાયી રોક