China Warns Citizens to Leave Iran: પશ્ચિમ એશિયામાં (મિડલ ઈસ્ટ) વધી રહેલા ભયાનક તણાવ વચ્ચે ઈરાનના પાડોશી દેશ ચીને શુક્રવારે એક મોટી એડવાઈઝરી જાહેર કરી છે. ચીને ઈરાનમાં રહેતા પોતાના તમામ નાગરિકોને “જેટલી જલ્દી બને તેમ ફટાફટ ઈરાન છોડી દેવા” કડક સૂચના આપી છે. આ પગલાથી વિશ્વભરમાં એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ખરેખર મિડલ ઈસ્ટમાં કોઈ મોટું યુદ્ધ થવા જઈ રહ્યું છે?
Chinaના વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ચીનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, “આ ક્ષેત્રમાં સુરક્ષાને લઈને ખતરો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઈરાનમાં હાજર ચીની નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાવચેતી રાખે અને શક્ય હોય તેટલી વહેલી તકે ઈરાન છોડીને સુરક્ષિત સ્થાને જતા રહે.” ચીની દૂતાવાસે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે જો નાગરિકો કોમર્શિયલ ફ્લાઈટ કે જમીની માર્ગે ઈરાન છોડવા માંગતા હશે, તો તેમને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે.
અમેરિકાએ પણ સૈન્ય ગતિવિધિ તેજ કરી
આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાએ પણ મિડલ ઈસ્ટમાં પોતાની સૈન્ય ગતિવિધિઓ આક્રમક બનાવી દીધી છે. અમેરિકાએ ઈઝરાયેલમાં સ્થિત પોતાના દૂતાવાસમાંથી બિન-જરૂરી કર્મચારીઓને પરત બોલાવવાની મંજૂરી આપી દીધી છે, જે મોટા સંઘર્ષનો સંકેત માનવામાં આવે છે.
ઓમાનની મધ્યસ્થતા છતાં કોઈ ઉકેલ નહીં?
યુદ્ધને ટાળવા માટે ઓમાનની મધ્યસ્થતામાં ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતનો રાઉન્ડ પણ યોજાયો હતો. શરૂઆતમાં પોઝિટિવ સંકેતો મળ્યા હતા, પરંતુ તેહરાને (ઈરાન) સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકાએ પોતાની ‘વધારે પડતી માંગણીઓ’ છોડવી પડશે. આ મડાગાંઠને કારણે હવે સૈન્ય સંઘર્ષની શક્યતા વધુ પ્રબળ બની છે.
ઈરાન પ્રવાસ ટાળવા સલાહ
ચીને માત્ર નાગરિકોને પરત બોલાવ્યા એટલું જ નહીં, પણ અન્ય લોકોને પણ હાલમાં ઈરાનનો પ્રવાસ ન ખેડવા કડક શબ્દોમાં જણાવ્યું છે. રક્ષા નિષ્ણાતો માની રહ્યા છે કે ચીનની આ એડવાઈઝરી એ વાતનો પુરાવો છે કે આ વિસ્તારમાં સ્થિતિ ગમે ત્યારે હાથમાંથી બહાર જઈ શકે છે અને મોટું યુદ્ધ ફાટી નીકળી શકે છે.
