Ahmedabad News/ અમદાવાદની LG હોસ્પિટલમાં ‘મુન્નાભાઈ’ સ્ટાઈલ! દર્દીના ખાટલામાં ડોક્ટર અને સ્ટાફ ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા

અમદાવાદની LG હોસ્પિટલ (LG Hospital) ના કેઝ્યુઅલ્ટી વિભાગમાં ડોક્ટર અને સ્ટાફ દર્દીના બેડ પર ઊંઘતા હોવાનો વીડિયો વાયરલ. સુપ્રિટેન્ડેન્ટ ડૉ. લીના ડાભીએ તપાસના આદેશ આપ્યા

Gujarat Ahmedabad Top Stories
Ahmedabad LG Hospital Viral Video

Ahmedabad LG Hospital Viral Video: દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર ગણાતી હોસ્પિટલોમાં જ્યારે ખુદ ડોક્ટરો જ દર્દીના ખાટલામાં આરામ ફરમાવતા હોય ત્યારે સ્વાસ્થ્ય સુવિધા પર સવાલો ઉભા થવા સ્વાભાવિક છે. અમદાવાદની મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. (LG) હોસ્પિટલનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ઓન-ડ્યુટી ડોક્ટરો અને સ્ટાફ દર્દીઓના બેડ પર ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા છે.

Ahmedabad LG Hospital Viral Video

LG Hospitalના વાયરલ વીડિયોમાં શું દેખાયું?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ચોંકાવનારા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હોસ્પિટલના અત્યંત સંવેદનશીલ ગણાતા કેઝ્યુઅલ્ટી (ઇમરજન્સી) વિભાગમાં સારવાર માટે રખાયેલા ખાટલાઓ પર દર્દીઓ નહીં, પરંતુ હોસ્પિટલનો સ્ટાફ પોતે જ આરામથી સૂઈ રહ્યો છે. આ વીડિયો મુજબ, ઇમરજન્સી વિભાગના એક રૂમમાં બે ડોક્ટરો, એક સર્વન્ટ અને એક ટેકનિશિયન દર્દીના બેડ પર નિરાંતે આરામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. દર્દીઓની સેવા માટે ફાળવવામાં આવેલા આ સંસાધનોનો સ્ટાફ દ્વારા જ દુરુપયોગ થતો જોઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

તંત્રનો લૂલો બચાવ: “રિનોવેશન ચાલે છે એટલે…”

આ વીડિયો વાયરલ થતાં હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે. એલ.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. લીના ડાભીએ જણાવ્યું હતું કે, “હોસ્પિટલમાં હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, જેના કારણે સ્ટાફ માટે અલગ ડ્યુટી રૂમની વ્યવસ્થા નથી. કદાચ આ કારણે ડોક્ટર અને સ્ટાફ દર્દીના ખાટલા પર સૂઈ ગયા હોય તેવું લાગે છે.” જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે ગમે તેવી પરિસ્થિતિ હોય, દર્દીના ખાટલા પર સ્ટાફ આ રીતે સૂઈ શકે નહીં.

Ahmedabad LG Hospital Viral Video

તપાસના આદેશ, થશે કાર્યવાહી

આ ગંભીર બેદરકારી બદલ હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા મુજબ, બપોર પછી સંબંધિત ડોક્ટરો અને સ્ટાફને બોલાવીને ખુલાસો પૂછવામાં આવશે અને કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:અમદાવાદ: એલ.જી. હોસ્પિટલ ફરી વિવાદમાં

આ પણ વાંચો:અમદાવાદ/ એલ.જી. હોસ્પિટલમાં વધુ 4 ડોક્ટર સહીત 5 લોકો કોરોના પોઝિટિવ

આ પણ વાંચો: એલ.જી. હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી