Surat International Drug Network ATS: સુરતના ત્રણ યુવકોએ કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની તસ્કરી કરવાનું મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ખુલાસો થયો છે કે આ યુવકો એનેસ્થેસીયામાં વપરાતા ‘એટોમીડેટ’ નામના કેમિકલને એલોવેરા પાવડરના લેબલ લગાવી મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં મોકલતા હતા.

6 કરોડનું Drug એક્સપોર્ટ કર્યું
ATSની તપાસમાં બહાર આવ્યું છે કે નિકુંજ ગઢીયા, ચેતન વાવડીયા અને ભૌતિક પદમાણી નામના ત્રણ યુવકોએ મળીને અત્યાર સુધીમાં આશરે 125 કિલો જેટલો પ્રતિબંધિત જથ્થો વિદેશ મોકલ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે 6 કરોડ રૂપિયા જેટલી થાય છે. તેઓ પ્રતિ કિલોએ 4 થી 5 હજાર યુએસ ડોલર વસૂલતા હતા.

વોટ્સએપ ચેટમાં ખતરનાક ખુલાસા
આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં નિકુંજ ગઢીયા ‘DWN બાયોસાયન્સ’ નામની કંપની બનાવીને એલોવેરા પાવડરના નામે એટોમીડેટ મોકલતો હોવાનું ખુલ્યું છે અને તેની ચેટમાંથી મલેશિયાના નાર્કો કાર્ટેલના સભ્યો સાથેના ટ્રેકિંગ નંબરો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત અન્ય આરોપી ચેતન વાવડીયા ગાર્મેન્ટની ઓફિસની આડમાં આ નેટવર્ક ચલાવતો હતો, જે એટોમીડેટને ‘ગીનોપોલ-૨૪’ પાવડર તરીકે ઓળખાવી અમેરિકા અને મલેશિયા સપ્લાય કરતો હતો. જ્યારે ત્રીજો આરોપી ભૌતિક પદમાણી ‘જાની ફાર્મા’નો માલિક હોવા છતાં થાઈલેન્ડ અને તાઈવાનમાં ડ્રગ્સ સ્મગલિંગની પેરવીમાં હતો અને આશ્ચર્યની વાત એ છે કે તેને થાઈલેન્ડ પોલીસના દરોડાની જાણકારી પણ વોટ્સએપ પર મળી જતી હતી.
એટોમીડેટ શું છે?
એટોમીડેટ એ મૂળભૂત રીતે ડોક્ટરો દ્વારા ઓપરેશન વખતે દર્દીને બેભાન કરવા (એનેસ્થેસિયા) માટે વપરાતું પદાર્થ છે. જોકે, તેનો દુરુપયોગ નશા માટે કરવામાં આવે છે. થાઈલેન્ડ અને મલેશિયામાં આ પદાર્થ પર કડક પ્રતિબંધ છે કારણ કે તેની વધુ માત્રા જીવલેણ સાબિત થઈ શકે છે.
મુંબઈ એરપોર્ટ પર પકડાયો પાપનો ઘડો
ATS એ મુંબઈના એરામેક્ષ કુરીયરની ઓફિસમાંથી નિકુંજ ગઢીયાએ મોકલેલું એક પાર્સલ જપ્ત કર્યું હતું. પાર્સલ પર ‘એલોવેરા પાવડર’ લખ્યું હતું, પણ જ્યારે તેનું હાઈ-ટેક મશીન દ્વારા પરીક્ષણ કરાયું ત્યારે તેમાં એટોમીડેટ હોવાનું સાબિત થયું. આ સાથે જ તેમના બોગસ ડોક્યુમેન્ટ્સ અને ફેક ઇન્વોઇસનો ભાંડો ફૂટી ગયો હતો.
સુરતમાં અગાઉ પણ મેફેડ્રોન (MD) ડ્રગ્સ અને બ્લુ ક્રિસ્ટલ ડ્રગ્સની ફેક્ટરીઓ પકડાઈ ચૂકી છે, ત્યારે આ નવો કિસ્સો દર્શાવે છે કે નશાના સોદાગરો હવે ફાર્મા ક્ષેત્રનો ઉપયોગ કરીને વિદેશી ડ્રગ માફિયાઓ સાથે હાથ મિલાવી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’ નીતિ: છેલ્લા બે વર્ષમાં રૂ. 3,727 કરોડનું ડ્રગ્સ પકડ્યું
આ પણ વાંચો: અંકલેશ્વર GIDCમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપાઈ
આ પણ વાંચો: જામનગરની હોટલમાં પોલીસનો ખાનગી દરોડો! 83 લાખના ડ્રગ્સ સાથે 4 પંજાબી તસ્કર ઝડપાયા
