Amreli News/ અમરેલીમાં વિકાસની દોડ : રૂ. 75 કરોડથી વધુના વિકાસકાર્યોને રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ આપી ગતિ.

અમરેલી (Amreli ) જિલ્લામાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે એક સપ્તાહમાં આશરે રૂ. 75 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.

Gandhinagar Gujarat Trending
Amreli

Amreli  News: અમરેલી (Amreli) જિલ્લાના કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા આશરે રૂ. 78 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેવરાજીયા મુકામે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વીજ પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક MVCC (Medium Voltage Covered Conductor) કેબલ લગાડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ફેઝ-1 અંતર્ગત દેવરાજીયા ફીડર પર18 કિ.મી. લંબાઈ ધરાવતો કેબલ રૂ. 1.41 કરોડના ખર્ચે બીછાવવામાં આવશે.

અમરેલી (Amreli) માં કરોડોના વિકાસકાર્યો શરૂ

અમરેલી (Amreli) તાલુકાના શેડુભાર ગામે રૂ. 1. 20 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવનિર્મિત પ્રાથમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ નિર્મિત આ શાળામાં દિવ્યાંગો માટે શૌચાલય, શુદ્ધ પીવાના પાણીની સુવિધા, અદ્યતન કોમ્પ્યુટર લેબ અને મધ્યાહન ભોજન શેડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અમરેલી (Amreli) જિલ્લાના માલવણ ગામે અંદાજિત રૂ. 38 લાખના ખર્ચે પુરસંરક્ષણ દિવાલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેના થકી ચોમાસા દરમિયાન પુર સંકટથી ગામને રાહત મળશે. ઉપરાંત ભાયાવદર, વાવડી અને વાવડીરોડ ખાતે પણ વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ભાયાવદર ખાતે રૂ. 30 લાખના ખર્ચે પુરસંરક્ષણ દિવાલ, તેમજ વાવડી-ચોંકી-સનાળા-લાખાપાદર-ઈશ્વરીયા રોડ પર રૂ. ૨ કરોડથી વધુના ખર્ચે 4 નવા સ્લેબ ડ્રેઈન બનાવવામાં આવશે.

કુંકાવાવમાં તળાવ રીનોવેશન અને પંચાયત ભવન માટે ખાતમુહૂર્ત

કુંકાવાવ તાલુકાના વાવડીરોડ ખાતે આવેલા બે તળાવોના રીનોવેશન માટે રૂ. 22 લાખના ખર્ચે કામગીરી હાથ ધરાશે, જેના થકી જળ સંચય વધશે અને ખેડૂતોને લાભ મળશે. આ ઉપરાંત તાલાળી મુકામે અંદાજે રૂ. ૨૫ લાખના ખર્ચે નવા પંચાયત ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત પણ રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

બરવાળા બાવીસી ગામે અંદાજે રૂ. 55 લાખના ખર્ચે 11 જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતનું નવું ભવન, તળાવ રીનોવેશન, રોડ-રસ્તા તથા ભૂગર્ભ ગટર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સાથે જ રૂ. 35 લાખના ખર્ચે બનેલા ૧૨ નવા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

અમરેલી તાલુકામાં રસ્તા અને પુલ સહિતના વિકાસકાર્યો શરૂ

અમરેલી (Amreli) તાલુકામાં ગ્રામ વિકાસને પ્રોત્સાહન આપવા માટે અંદાજિત રૂ. 5 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મોટા માંડવડા, બાબાપુર, તરવડા અને મેડી ગામોમાં ‘સુવિધા પથ’ના નિર્માણ કાર્ય તેમજ કેરાળા ગામે સી.સી. રોડ અને પુલના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અમરેલી (Amreli) શહેરના જેસીંગપરા વિસ્તારમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રૂ. 1.60 કરોડના ખર્ચે બનેલી નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જળસંચય વધારવાના હેતુથી અમરેલી-કુંકાવાવ-વડિયા તાલુકામાં રૂ. ૩.૨૫ કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત સાંથળી, ખડખડ અને તરઘરી ગામે ચેકડેમ નિર્માણ, તેમજ વડી ઈરીગેશન યોજના અંતર્ગત બોક્સ કલવર્ટ અને મોટા આંકડિયા ગામે તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સરંભડા મુકામે આશરે રૂ. 7 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં મેજર બ્રિજ, સુવિધા પથ, પંચાયત ભવન અને ગામના પ્રવેશ દ્વાર જેવા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવી લોકોના જીવનમાં સુખાકારી લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. વિવિધ વિકાસકાર્યો થકી ગામડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે અને ગ્રામજનોને સીધો લાભ મળશે.

આ અંતર્ગત અમરેલી (Amreli) ના મોણપુર મુકામે “સૌની યોજના” હેઠળ લિંક 4 મારફત કુલ રૂ. 27. 84 લાખના ખર્ચે સ્કાવર વાલ્વનું લોકાર્પણ થતાં નર્મદામૈયાના નીર છેક 350 કિ.મી દૂરથી મોણપુર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સ્કાવર વાલ્વની મદદથી હવે મોણપુરનું તળાવ છલોછલ છલકાશે, પાણીનો લાભ ખેડૂતોને મળશે. આ વિસ્તારમાં સમૃદ્ધ ખેતીવાડીનું સપનું સાકાર થશે.

“જલ જીવન મિશન” હેઠળ ચિત્તલ મુકામે જલ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે ચિત્તલ મુકામે રૂ. 2.33 કરોડના ખર્ચે નલ સે જલ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કુલ રૂ. 48 લાખના ખર્ચે ભૂગર્ભ ગટર, ખેડૂતો માટે બંધારાના ઉપરવાસમાં સ્લેબડ્રેઈન, પૂરસંરક્ષણ દિવાલ, સી.સી રોડ સહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યો થકી ચિત્તલની રોનકમાં વધારો થશે.

રૂ. 42 કરોડની ઈશ્વરીયા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ

અમરેલી (Amreli) ના વરસડા મુકામે કુલ રૂ. 42 કરોડના ખર્ચે આકાર પામેલ ઈશ્વરીયા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજના થકી અમરેલી, લાઠી અને લીલીયા તાલુકાના કુલ 50 ગામડાઓને પીવાના શુદ્ધ પાણીનો લાભ મળશે. અહીં વરસડા મુકામે કુલ રૂ. 19 લાખના ખર્ચે હયાત તળાવનું રીનોવેશન પણ હાથ ધરવામાં આવશે. કૃષિમંત્રીના હસ્તે આ વિકાસકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પ્રભારી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે નાની કુંકાવાવ અને સનાળા મુકામે સૌની યોજના લિંક 4 હેઠળ સ્કાવર વાલ્વ વીથ પાઈપલાઈન, એર વાલ્વ ચેમ્બર બાંધકામ, એનર્જી ડિસીપેશન સ્ટ્રક્ચર નિર્માણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હવે નર્મદાના નીર છેક સનાળા ગામ સુધી પહોંચશે. આ બંને ગામનો કુલ મળીને 200 હેક્ટર ખેતીલાયક વિસ્તાર લાભાન્વિત થશે.

ઐતિહાસિક ક્લોક ટાવરનું રૂ. 3 કરોડે રીસ્ટોરેશન શરૂ

અમરેલી ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ વિકાસકાર્યોના ત્રિવિધ ખાતમુહૂર્ત પ્રસંગે પ્રભારી મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. અહીં કુલ રૂ. 2.67 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સરદાર સર્કલથી શ્રી સ્વામિનારાયણ મંદિર રોડ, શહેરના મુખ્ય પ્રવેશદ્વારોના રસ્તા પર સર્કલ ડેવલપમેન્ટ સહિતના વિકાસકાર્યો સામેલ છે. આ વિકાસકાર્યો થકી શહેરની સુંદરતામાં વધારો થશે.

અમરેલી શહેર ખાતે 124 વર્ષ જૂનો ગાયકવાડી શાસન દ્વારા નિર્મિત ક્લોક ટાવર આજે પણ અડીખમ ઉભો છે. આ ક્લોક ટાવર શહેરની શાન સમાન છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અંતર્ગત કુલ રૂ. 3 કરોડના ખર્ચે આ ઐતિહાસિક હેરિટેજ ક્લોક ટાવર રીસ્ટોરેશન પ્રોજેક્ટનું કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આમ, અમરેલી ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થતા હવે અમરેલીની તસવીર સમૂળગી બદલાઈ જશે. શહેરની શાનમાં અને તેના રંગરૂપમાં વધારો થશે. સાથે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ સુવિધાઓ અને પીવાના શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ થવાથી હરિયાળ સાથે સમૃદ્ધ ખેતીના સપનાઓ સાકાર થશે.

ઉલ્લેખનીય છે કે, અમરેલી શહેરમાં સી.સી રોડ સહિતના વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે, જે નજીકના સમયમાં પૂર્ણ થવાથી લોકોની સુખ સુવિધામાં વધારો થશે, પરિવહન સુવિધા અને માળખું સુદ્રઢ બનશે. હવે, ‘નવું અમરેલી-સુવિકસિત અમરેલી’ના સપનાને ખરાં અર્થમાં ઉડાન મળી છે. આવો, સૌ સહિયારા પ્રયાસો અને પ્રયત્નો થકી સાથે મળીને અમરેલીને આયોજનબદ્ધ – સુવ્યવસ્થિત રીતે વિકસિત જિલ્લો બનાવવાના ભગીરથ સંકલ્પને બળ પૂરું પાડીએ.


આ પણ વાંચો: અમરેલીમાં શંકાસ્પદ દૂધનું ટેન્કર પકડવાનો મામલો, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગાડી પર હુમલો

આ પણ વાંચો: અમરેલીના ગરણી ગામ ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો, રસોડું તૂટી પડ્યું

આ પણ વાંચો: કૌશિક વેકરિયાએ વિરોધ ખાળ્યો, કેબિનેટમાં મળ્યું સ્થાન