અમરેલી (Amreli) જિલ્લાના વડિયા તાલુકાના ખીજડીયા વિસ્તારમાંથી પસાર થતા દૂધના ટેન્કરને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હોવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ આ ટેન્કર ખીજડીયા ગામથી અરવલ્લી જિલ્લાના બાયડ સ્થિત સહકારી ડેરીમાં દૂધ પહોંચાડવા જઈ રહ્યું હતું.
અમરેલીમાં (Amreli) ઝેરી કેમિકલ મિશ્રણ કર્યુ હોવાનો દાવો
યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, આ ટેન્કરમાં દૂધમાં ઝેરી કેમિકલ મિશ્રણ કરવામાં આવતું હોવાની શંકા છે. દૂધમાં કેમિકલ મિશ્રણ થતું હોવાનો આરોપ લગાવીને તેમણે ટેન્કરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ટેન્કરને રોકવા જતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલાખોરોએ યુવરાજસિંહની ગાડી પર પથ્થરમારો કરીને ગાડીના કાચ તોડી નાખ્યા હતા. ઉપરાંત તેમના મિત્ર અને ડ્રાયવર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ડ્રાયવર ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.\\

યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવ્યા
યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ડ્રાયવર હોસ્પિટલમાં દાખલ થયા બાદ 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં યોગ્ય સારવાર આપવામાં આવી નથી. આ બાબતે તેમણે તંત્ર સામે પણ નારાજગી વ્યક્ત કરી છે.
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
આ સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. તેમણે જણાવ્યું છે કે દૂધમાં કેમિકલ મિશ્રણ થતું હોવાની ગંભીર બાબત છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. જો આ આરોપ સાચા સાબિત થાય તો તે જન આરોગ્ય માટે મોટું જોખમ બની શકે છે.
ઘટનાને લઈને ભારે ચિંતા ફેલાઈ
સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચિંતા ફેલાઈ છે. દૂધ રોજિંદા જીવનમાં ઉપયોગ થતું મહત્વપૂર્ણ ખોરાક છે અને જો તેમાં ઝેરી પદાર્થો મિશ્રિત કરવામાં આવે તો તે લોકોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ કારણે લોકો દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
પોલીસ અને તંત્ર દ્વારા આ ઘટનાની તપાસ શરૂ થાય તેવી શક્યતા છે. જો દૂધમાં ખરેખર કેમિકલ મિશ્રણ થતું હોવાનું પુરવાર થશે તો દૂધ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નકલી દૂધના ટેન્કર મામલે મોટો ખુલાસો
નકલી દૂધના ટેન્કર મામલે મોટો ખુલાસો થયો છે. વડીયાના હનુમાન ખીજડિયા ગામે ઝડપાયેલા ટેન્કરના નમૂનાઓ પોલીસ દ્વારા FSLમાં મોકલાયા હતા, જેમાં દૂધ નકલી હોવાનું સાબિત થયું છે. તપાસમાં સામે આવ્યું કે સોયાબીન, ગ્લુકોઝ પાવડર અને કેમિકલ મિક્સ કરીને બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. યુવરાજસિંહ જાડેજાએ ગતરોજ જ આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આજે સવારે અંદાજે 10 હજાર લિટર બનાવટી દૂધનો નાશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:અમરેલીના ગરણી ગામ ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો, રસોડું તૂટી પડ્યું
આ પણ વાંચો:ગાંધીનગરમાં અકસ્માત : રિક્ષા નદીમાં ખાબકતા ચાલકનું મોત
આ પણ વાંચો:ગુજરાતમાં SIR બાદ અંતિમ મતદારયાદી જાહેર, 4.40 કરોડ મતદારો નોંધાયૉ
