Navsari News : ચીખલી તાલુકાના પીપલગભણ ગામમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં જ ચૂંટણી બહિષ્કાર(Election Boycott)નો માહોલ સર્જાયો છે. ગામના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા બેનરો દ્વારા ગ્રામજનો પોતાની નારાજગી જાહેર કરી રહ્યા છે.
ઇંગારી ખાડી, દેસાઈવાડ અને ખેરગામ રોડ સહિતના વિસ્તારોમાં લગાવવામાં આવેલા બેનરોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ગામને સરકારી યોજનાઓનો યોગ્ય લાભ નહીં મળે, ત્યાં સુધી કોઈપણ રાજકીય પક્ષને ગામમાં પ્રચાર કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, નલ સે જલ યોજનામાં ગેરરીતિઓ થઈ છે અને ગામના અનેક ફળિયાઓમાં છેલ્લા બે વર્ષથી પીવાનું પાણી મળતું નથી. ઉપરાંત, 166 લાભાર્થીઓ માટેના શૌચાલયના નાણાં 12વર્ષ બાદ પણ તેમના બેંક ખાતામાં જમા થયા નથી.
તે સિવાય સ્ટ્રીટ લાઈટ, ગટર-રોડ, લિંક રોડ તેમજ અધૂરા રસ્તાઓ જેવા મૂળભૂત પ્રશ્નો હજી સુધી ઉકેલાયા નથી, જેના કારણે ગામલોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર(Election Boycott)નો માર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે.
