Ahmedabad Motera No Vote Baner: મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પહેલા મોટેરા વિસ્તારમાં સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી રોડ, પાણી અને ગાર્ડન જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારતા મોટેરા ગામના લોકોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે, “મૂળભૂત માંગણીનો ઉકેલ નહીં તો મતદાન નહીં.”
Moteraના સોસાયટીઓમાં રોષના બેનરો
મોટેરા ગામની જાણીતી સોસાયટીઓ જેવી કે ત્રિલોક ગ્લોરી, સેતુ એમરલેન્ડ અને સરલ હાઈટ્સના ગેટ પર રહીશોએ મોટા બેનરો લગાવી દીધા છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા રોડ-રસ્તાની હાલત સુધારવામાં આવતી નથી, પીવાના પાણીની સમસ્યા યથાવત છે અને બાળકો માટેના ગાર્ડન માત્ર કાગળ પર જ રહી ગયા છે.

તંત્ર અને પૂર્વ કોર્પોરેટરો દોડતા થયા
જેવા સોસાયટીઓમાં “મતદાનનો બહિષ્કાર” કરતા પોસ્ટરો લાગ્યા, કે તરત જ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પૂર્વ કોર્પોરેટરોની ઊંઘ ઉડી ગઈ છે. ચૂંટણી નજીક હોવાથી મતદારોની આ નારાજગી ભારે પડી શકે તેમ હોવાથી, નેતાઓ અને અધિકારીઓ તાત્કાલિક અસરથી રહીશોને મળવા દોડી ગયા છે.
15 દિવસનું અલ્ટીમેટમ
નારાજ રહીશો સાથેની બેઠક બાદ તંત્ર દ્વારા લેખિત અને મૌખિક ખાતરી આપવામાં આવી છે કે આગામી 15 દિવસમાં તમામ પડતર કામગીરીઓ જેવી કે રસ્તાનું પેચવર્ક અને પાણીની સુવિધા પૂર્ણ કરવામાં આવશે. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે જો 15 દિવસમાં કામ શરૂ નહીં થાય તો તેઓ પોતાના મતદાન બહિષ્કારના નિર્ણય પર મક્કમ રહેશે.
આ પણ વાંચોઃ PM મોદીનો વોટ્સએપ સંદેશો આચારસંહિતનો ભંગ નથી,વિપક્ષનો હોબાળો
આ પણ વાંચોઃ ‘નો હેલિકોપ્ટર નો વોટ’, ગ્રામજનોએ ચૂંટણી પંચ સમક્ષ મૂકી આ વિચિત્ર માંગણી, જાણો કેમ
આ પણ વાંચોઃ અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની
