Surat News: સુરતમાં અફવાઓના પગલે પેટ્રોલ પમ્પો (Petrol Pump) પર ભારે ભીડ જોવા મળી હતી. સુરતમાં પેટ્રોલ ખૂટી જવાની અફવાઓના પગલે લાંબી કતારો લાગી હતી. શહેરના પેટ્રોલ પમ્પો પર ગઇકાલ મોડી રાત સુધી લાઇનો પછી વહેલી સવારથી જ લાઇનો લાગી હતી.
પેટ્રોલ પમ્પ (Petrol Pump) પર લાઇનો
ટુ-વ્હીલરોની લાંબી લાઇન જોતાં સુરતના કેટલાય પેટ્રોલ પમ્પોએ (Petrol Pump) પ્રતિ ટુ-વ્હીલર 300 રૂપિયાનું જ પેટ્રોલ આપવાનો નિર્ણય લીધો હતો. દરેક ગ્રાહકનો ઇંધણ મળે તે માટે સંચાલકોએ આ નિર્ણય લીધો હતો. આ ઉપરાંત તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. સુરતનું સ્થાનિક શહેર અને પુરવઠા તંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
ઓઇલ કંપનીઓએ સ્પષ્ટતા કરી
સ્થિતિ વણસતા ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે ઇંધણની સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે, તેથી લોકોએ ખોટી અફવાઓથી ગભરાઈને સંગ્રહખોરી કરવી નહીં. વધુમાં તેમણે જણાવ્યું છે કે યુદ્ધના કારણે શિપમેન્ટમાં થોડો વિલંબ જરૂર થયો છે, પરંતુ તેનો ઝડપી ઉકેલ લાવવા માટેના પ્રયાસો હાલ ચાલુ જ છે. નિષ્ણાતોના મતે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે ખાડી દેશોમાંથી આવતા ક્રૂડ ઓઈલના જહાજો અટવાયા છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ મોટો ઉછાળો આવી શકે છે.
પેટ્રોલ પંપ બંધ થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. અનેક લોકો આગામી દિવસોમાં ઇંધણ નહીં મળે તેવી બીકે પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા છે, જેના કારણે ચાર રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. જોકે, પેટ્રોલ પંપ ડીલરો અછત હોવાનો સત્તાવાર ઇનકાર કરી રહ્યા છે અને સપ્લાયમાં વિલંબ હોવાનું જણાવી રહ્યા છે.
