અમદાવાદમાં અલગ-અલગ સ્થાનો પર ગંભીર અકસ્માત સર્જાયા. શહેરમાં વસ્ત્રાલ અને શિવરંજની એમ બે સ્થાનો પર અકસ્માતની ઘટના બનવા પામી. એક અકસ્માતમાં ઘટનાસ્થળે જ મહિલાનું મોત નિપજ્યું. જ્યારે અન્ય અકસ્માતમાં યુવતી ગંભીરપણે ઇજા પામતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
વસ્ત્રાલમાં રતનપુરા ગામ પાસે સવારે હિટ એન્ડ રનની અકસ્માતની ઘટના બનવા પામી. જેમાં એક એક્ટિવા ચાલક ઉષાબેન પીઠડીયાનામની મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો. પોલીસે ઘટના સ્થળ પર પંહોચી અકસ્માતનો ગુનો નોંધ્યો. અને ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
શહેરના પોશ એરિયા કહેવાતા શિવરંજની વિસ્તારમાં કેશવબાગ પાસે અકસ્માત બનવા પામ્યો. કેશવબાગ ચાર રસ્તા પાસે કાર ચાલકે એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લીધી. કારની અડફેટે આવતા એકટિવા ચાલક યુવતી નીચે પટકાતા 50 મીટર સુધી ઘસડાઈ હતી. કાર અને એક્ટિવાના અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા. જાગૃત નાગરિકે દ્વારા પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી અકસ્માતનો ગુનો નોંધ્યો. પોલીસના ધ્યાનમાં આવ્યું કે કાર ચાલકે એક્ટિવા ચાલક યુવતી સિવાય અન્ય બે લોકોને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પોતાની કારથી અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.