Gandhinagar News : ગાંધીનગરમાં આજે એક ગંભીર અકસ્માત (Accident) ની ઘટના સામે આવી છે. ચીલોડાથી સેક્ટર-30 સર્કલ તરફ જતાં સાબરમતી નદીના બ્રિજ પરથી એક ઓટો રિક્ષા અચાનક નિયંત્રણ ગુમાવતા નદીમાં ખાબકી હતી. જેમાં રિક્ષાચાલકનું મોત નીપજ્યુ હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ બપોરે અંદાજે 1:00 વાગ્યે આ અકસ્માત (Accident)સર્જાયો હતો. બ્રિજ પર સુરક્ષા માટે રેલિંગ ન હોવાના કારણે રિક્ષા સીધી નદીમાં પડી હોવાનું પ્રાથમિક અનુમાન છે. અકસ્માતમાં રિક્ષા ચાલકનું દુર્ભાગ્યવશ મોત થયું હોવાનું ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું છે.
અકસ્માત(Accident)ને પગલે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તરત જ ટ્રાફિક નિયંત્રણમાં લઈ વાહનવ્યવહાર સુચારુ બનાવ્યો હતો, જેથી અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
આ બનાવને લઈને તંત્રની બેદરકારી અંગે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો દ્વારા બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી છે. હાલ ચિલોડા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
