Surat Commercial Gas Shortage: ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાં હાલમાં રસોઈ ગેસની ભારે કટોકટી સર્જાઈ છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગેસના પુરવઠામાં ભયંકર અછત જોવા મળી રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે લગ્નની સીઝનમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા રસોઈયાઓ (મહારાજ) હવે આધુનિક ગેસના ચૂલા છોડીને લાકડા અને કોલસાની સગડીઓ પર રસોઈ બનાવવા મજબૂર બન્યા છે.
લગ્નની સીઝનમાં રસોઈયાઓ બેહાલ
સુરતમાં અત્યારે લગ્નની ધૂમ સીઝન ચાલી રહી છે, પરંતુ ગેસ એજન્સીઓ પાસે કોમર્શિયલ બાટલાનો જથ્થો જ નથી. જે રસોઈ પહેલા હાઈ-ફ્લેમ ગેસના ચૂલા પર ઝટપટ તૈયાર થઈ જતી હતી, તે હવે ધુમાડા અને લાકડા વચ્ચે તૈયાર થઈ રહી છે. રસોઈ બનાવવા માટે ગેસ ન મળતા અનેક કેટરર્સ અને રસોઈયાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

2 કલાકનું કામ હવે 5 કલાકે થાય છે
લગ્ન પ્રસંગે રસોઈ બનાવતા મહારાજે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ગેસના ચૂલા પર જે રસોઈ માત્ર 2 કલાકમાં તૈયાર થઈ જતી હતી, તેને હવે લાકડાની સગડી પર બનાવતા 4 થી 5કલાકનો સમય લાગે છે. રસોઈ તૈયાર થવામાં થતા આ વિલંબને કારણે મહેમાનોને પીરસવામાં પણ મોડું થઈ રહ્યું છે, જેનાથી સમયનો ભારે બગાડ થાય છે. આ ઉપરાંત, લાકડા સળગાવવા, તેનો અસહ્ય ધુમાડો સહન કરવો અને તાપમાન જાળવી રાખવામાં રસોઈયાઓની મહેનત વધી ગઈ છે અને તેમની હાલત ખરાબ થઈ રહી છે. ગેસની અછતનો લાભ લઈને લાકડા અને કોલસાના ભાવોમાં પણ વધારો થયો હોવાથી આર્થિક બોજ પણ વધી રહ્યો છે.
Suratમાં આદિ માનવ જેવી સ્થિતિ
સુરત જેવા સ્માર્ટ સિટીમાં ગેસના બાટલા માટે વેપારીઓ અને રસોઈયાઓએ વલખા મારવા પડી રહ્યા છે. મિડલ-ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ યથાવત રહેતા આગામી દિવસોમાં આ સંકટ વધુ ઘેરું બને તેવી શક્યતા છે. માત્ર લગ્ન પ્રસંગો જ નહીં, પરંતુ સુરતની પ્રખ્યાત લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ્સમાં પણ હવે ગેસની અછતને કારણે રસોઈ બનાવવાની પદ્ધતિઓ બદલાવી પડી રહી છે.
સુરતવાસીઓ હવે આશા રાખી રહ્યા છે કે સરકાર આ મામલે હસ્તક્ષેપ કરે અને ગેસના પુરવઠામાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરે જેથી લગ્ન જેવા પવિત્ર પ્રસંગોમાં વિઘ્ન ન આવે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની અછત, હોટલ-રેસ્ટોરન્ટના માલિકો મુશ્કેલીમાં!
આ પણ વાંચો: સરકારે LPG સિલિન્ડરોના સંગ્રહને રોકવા માટે ESMA કર્યો લાગુ
આ પણ વાંચો: ગુજરાતમાં નવા PNG કનેક્શન તાત્કાલિક આપવાની સરકારની જાહેરાત
