Kaniram Bapu Statement Banaskantha: બનાસકાંઠાના ભાભરના ઉણ ગામે પ્રેમ લગ્ન મુદ્દે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે થયેલા હિંસક વિખવાદ બાદ હવે સ્થિતિને થાળે પાડવા માટે ધર્મગુરુઓ મેદાને આવ્યા છે. દૂધરેજ વડવાળા ગાદીપતિ ગુરુ કનીરામ બાપુએ આ મામલે અત્યંત મહત્વનું નિવેદન આપીને બંને સમાજને એકતા જાળવવા અને શાંતિનો માર્ગ અપનાવવા આહ્વાન કર્યું છે.
Kaniram Bapuની બંને સમાજને નમ્ર અપીલ
વડવાળા ગાદીપતિ કનીરામ બાપુએ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા બંને સમાજના આગેવાનોને શાંતિનો સંદેશ આપતા જણાવ્યું છે કે, બંને સમાજે ઉગ્રતા છોડીને સાથે બેસીને યોગ્ય સમાધાનનો રસ્તો શોધવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવેશમાં આવીને કરવામાં આવતા ઝઘડા કે હિંસાથી બંને સમાજની બદનામી થાય છે, જે બિલકુલ યોગ્ય નથી. આથી, આ પરિસ્થિતિને થાળે પાડવા માટે બંને સમાજના પાંચ-પાંચ પ્રતિષ્ઠિત આગેવાનોએ એકસાથે બેઠક યોજીને આ સમસ્યાનો કાયમી અને સુખદ ઉકેલ લાવવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે.
‘જરૂર પડશે તો અમે પણ આવીશું’
કનીરામ બાપુએ વધુમાં ઉમેર્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ પોતે પણ બંને સમાજ વચ્ચે એકતા સ્થાપવા અને વિવાદ ઉકેલવા માટે રૂબરૂ આવશે. તેમણે બંને સમાજને અપીલ કરી છે કે આ મામલો વધુ ન વણસે અને શાંતિ જળવાઈ રહે તે જોવાની જવાબદારી બંને પક્ષના વડીલોની છે.
શું હતો સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, રાધનપુરની સિંગર કિંજલ રબારી અને ત્યારબાદ ભાભરની કંકુ ચૌધરીના પ્રેમ લગ્ન મુદ્દે બનાસકાંઠામાં ગરમાવો જોવા મળ્યો હતો. ગઈકાલે ઉણ ગામે બંને સમાજના લોકો સામસામે આવી જતાં પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ બની હતી, જેમાં પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી.
હવે જ્યારે પરમ પૂજ્ય કનીરામ બાપુએ આ મામલે મધ્યસ્થી કરવાની અને શાંતિ જાળવવાની વાત કરી છે, ત્યારે આશા છે કે આગામી દિવસોમાં બંને સમાજ વચ્ચેના સંબંધો ફરી સુધરશે.
આ પણ વાંચો: કિંજલ રબારીના લગ્ન વિવાદનો નવો વળાંક! સમાજના આગેવાનોની બેઠક બાદ ગાયિકા ઘરે પરત ફરી
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી આંતરજ્ઞાતિય લગ્નને લઈને ચર્ચા: લોકગાયિકા કિંજલ રબારીએ કર્યા પ્રેમ લગ્ન, પોલીસ સુરક્ષા માગી
આ પણ વાંચો: બનાસકાંઠા રણમેદાનમાં ફેરવાયું! દીકરીને પરત લાવવા ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું, પોલીસ પર પથ્થરમારો
