Valsad Brother Sister Fight for Property: કહેવાય છે કે મૃત્યુ બાદ દુશ્મની પણ ભૂલી જવી જોઈએ, પરંતુ વલસાડમાં મિલકતની ભૂખ આગળ લોહીના સંબંધો સાવ વામણા સાબિત થયા છે. એક વૃદ્ધાના અવસાન બાદ તેના અંતિમ સંસ્કાર કરવાને બદલે પુત્ર અને પુત્રી મિલકતના વિવાદમાં રોડ પર અને પોલીસ સ્ટેશનમાં બાખડ્યા હતા. માતાના મૃતદેહને એમ્બ્યુલન્સમાં રાખીને ભાઈ-બહેને જે તમાશો કર્યો, તેનાથી માનવતા લજવાઈ છે.
Valsad : હોસ્પિટલથી પોલીસ સ્ટેશન સુધી હંગામો
ઘટનાની વિગત મુજબ, વલસાડની એક હોસ્પિટલમાં વૃદ્ધાનું અવસાન થયું હતું. માતાના મૃત્યુ બાદ શોક મનાવવાને બદલે પુત્ર અને પુત્રી વચ્ચે મિલકત હડપવા બાબતે તકરાર શરૂ થઈ હતી. વિવાદ એટલો વકર્યો કે હોસ્પિટલના પટાંગણમાં જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

મૃતદેહના કબજા માટે ઝપાઝપી
માતાના અંતિમ સંસ્કાર કોણ કરશે અને મૃતદેહ કોના ઘરે જશે, તે બાબતે ભાઈ-બહેન વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઈ હતી. મૃતદેહને એમ્બ્યુલન્સમાં જ રહેવા દઈને બંને પક્ષો પોતાની જીદ પર અડી રહ્યા હતા. આ મામલો એટલો ગંભીર બન્યો કે અંતે પોલીસને જાણ કરવી પડી હતી. પોલીસ સ્ટેશનમાં પણ બંને પક્ષોએ ભારે હંગામો કર્યો હતો અને મિલકતના દસ્તાવેજો તેમજ હક બાબતે માતાના પાર્થિવ દેહની મર્યાદા પણ જાળવવામાં આવી નહોતી.
પોલીસે મામલો થાળે પાડ્યો
આખરે વલસાડ પોલીસે વચ્ચે પડીને બંને પક્ષોને સમજાવ્યા હતા. કલાકો સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો અને અંતિમ સંસ્કાર માટેની વિધિ આગળ વધારવામાં આવી હતી. આ ઘટનાને જોનારા લોકોમાં ફિટકારની લાગણી જન્મી હતી કે મિલકતની લાલચ માણસને કેટલી હદે નીચે પાડી શકે છે.
