Rahul Gandhi Vadodara Visit: ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આજે (23 માર્ચ 2026) ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. ‘અંબાજીથી ઉમરગામ’ સુધીના આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે રાહુલ ગાંધી વડોદરામાં આદિવાસી આગેવાનો અને યુવાનો સાથે સીધો સંવાદ કરશે.
વડોદરામાં Rahul Gandhiનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ
રાહુલ ગાંધીના આ પ્રવાસનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવાનો અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવાનો છે. તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, બપોરે 2:00 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આગમન બાદ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 3:00 વાગ્યે આજવા ચોકડી પાસે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ગુજરાતભરમાંથી આવેલા 1500થી વધુ આદિવાસી આગેવાનો, એનજીઓ (NGO) સંચાલકો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ અને ચર્ચા કરશે. અંતે, સાંજે 5:00વાગ્યે પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ વડોદરાથી સીધા દિલ્હી જવા રવાના થશે.

આદિવાસી અધિકારો અને અન્યાયના મુદ્દે ‘ગર્જના’
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના જળ-જંગલ-જમીન અને કુદરતી સંસાધનો પરના અધિકારો છીનવાઈ રહ્યા છે. આ ઉપરાંત, આદિવાસી વિકાસના નામે ફાળવવામાં આવતા બજેટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારના ઓરમાયા વર્તનને કારણે આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી વિસ્તારો પાયાની માળખાકીય સુવિધાઓથી વંચિત રહ્યા છે.
ચૂંટણી પહેલાં કોંગ્રેસનો ‘ટ્રમ્પ કાર્ડ’
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આદિવાસી મતો નિર્ણાયક સાબિત થતા હોય છે. રાહુલ ગાંધીનો આ સંવાદ માત્ર રાજકીય સભા નહીં, પણ આદિવાસી સમાજમાં લડત આપી રહેલા કાર્યકરોમાં જુસ્સો ભરવાનો પ્રયાસ છે. ખાસ કરીને યુવાનો અને મહિલા આગેવાનો સાથેની ચર્ચા આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:રાહુલ ગાંધી સાથે જોવા મળ્યો શર્ટ લેસ પ્રદર્શન કરવાવાળો કાર્યકર્તા, BJP એ સાધ્યુ નિશાન
આ પણ વાંચો:મિશન ગુજરાત! દિલ્હીમાં ખડગે અને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની હાઈલેવલ બેઠક
આ પણ વાંચો: રાહુલ ગાંધી માફી નહીં માંગે, ટ્રાયલનો સામનો કરવો પડશે,ભિવંડી કોર્ટમાં હાજર થયા
