Ahmedabad SOG Viratnagar MD Drugs Seizure: નશાના કારોબારને જડમૂળથી ઉખેડી નાખવા માટે અમદાવાદ પોલીસ સતત કાર્યરત છે. શહેરના વિરાટનગર વિસ્તારમાં SOG એ ઓચિંતો દરોડો પાડીને MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી હજારો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવતા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Ahmedabad : ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી
મળતી માહિતી મુજબ, SOG ને ચોક્કસ બાતમી મળી હતી કે વિરાટનગર વિસ્તારમાં એક શખ્સ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી હતી અને અલ્ત્મસ ઉર્ફે મોહસીન પઠાણ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીની તલાશી લેતા તેની પાસેથી નશાકારક પદાર્થ મળી આવ્યો હતો.

82 હજારથી વધુની કિંમતનું ડ્રગ્સ કબ્જે
પોલીસે આરોપી મોહસીન પાસેથી કુલ 27 ગ્રામ અને 600 મિલીગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂપિયા 82,800 જેટલી થાય છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસ અન્ય સામાન અને મોબાઈલ ફોન પણ કબ્જે કરીને તપાસ કરી રહી છે.
NDPS હેઠળ ગુનો દાખલ
આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ NDPS (Narcotic Drugs and Psychotropic Substances Act) ની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો, આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું અને શહેરમાં આ ડ્રગ્સ નેટવર્ક સાથે અન્ય કયા મોટા માથાઓ જોડાયેલા છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દૂષણને રોકવા માટે પોલીસ દ્વારા ‘ડ્રગ્સ ફ્રી અમદાવાદ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ મોટી સફળતા મળી છે.
