Gandhinagar News : 15મી ગુજરાત વિધાનસભાનું આઠમું અને અત્યંત મહત્વનું બજેટ સત્ર (Budget Session)આજે 25 ફેબ્રુઆરીના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ સત્ર દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની વિગતો પ્રવક્તા મંત્રી જીતુવાઘાણીએ સત્રની પૂર્ણાહુતિ બાદ પત્રકાર મિત્રોને આપી હતી.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ બજેટ સત્ર (Budget Session)આજે 25ફેબ્રુઆરીએ પૂર્ણ થયું છે, જેમાં 23 દિવસના સમયગાળામાં કુલ 27 બેઠકો યોજાઈ હતી. લોકશાહીના પર્વ સમાન આ સત્રના પ્રશ્નોત્તરી કાળમાં કુલ 237 તારાંકિત પ્રશ્નોની ગૃહમાં મુક્તમને ચર્ચા કરીને નાગરિકોની સમસ્યાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ 18 ફેબ્રુઆરીના રોજ રાજ્યનું રૂ. 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું હતું, જે ગૃહમાં પારિત થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરતું આ બજેટ પાંચ મુખ્ય સ્તંભો – સામાજિક સુરક્ષા, માનવ સંસાધન, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓ અને ગ્રીન ગ્રોથ પર આધારિત છે.
આ બજેટનો મુખ્ય ધ્યેય નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રાજ્યના આર્થિક-સામાજિક વિકાસને નવા શિખરો પર લઈ જવાનો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, આ સત્ર અનેક ઐતિહાસિક વિધેયકોનું સાક્ષી બન્યું છે. સત્ર દરમિયાન કુલ 9જેટલા મહત્વના વિધેયકો અને સુધારા વિધેયકો ગૃહમાં પસાર કરવામાં આવ્યા છે. જેમાં ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) 2026 વિધેયક’ એ ગુજરાતનું ઐતિહાસિક વિધેયક બન્યું છે. UCC વિધેયકને જનતાની ભાવનાનું પ્રતિક ગણાવતા મંત્રીએ જણાવ્યું કે, 1952માં કરાયેલા એક સંકલ્પ અને વિચારને સાકાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય મહત્વના પસાર થયેલા વિધેયકોનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે, આ સત્ર દરમિયાન ગુજરાત અશાંત વિસ્તારો (સુધારા) વિધેયક પસાર કરીને સ્થાવર મિલકતની તબદીલી અને ભાડૂતોને રક્ષણ આપવા માટે મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (GUJCTOC) સુધારા વિધેયક, ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક, ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વિધેયક, સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન (ગુજરાત સુધારા) વિધેયક સહિત કુલ 9 વિધેયક પસાર કરવામાં આવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિયમ 120 હેઠળ ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ રજૂ કર્યો હતો. આ ઉપરાંત ગૃહમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ, સોમનાથ સ્વાભિમાન પર્વ – 1000 વર્ષનો ઇતિહાસ રિજિનલ વાઇબ્રન્ટ ગુજરાત અને વિકસિત ભારત જી રામ જી જેવા જનજાગૃતિના સંકલ્પો પણ રજૂ કરી જનતાની ભાવનાને વાંચા આપવામાં આવી હતી.
રાજ્ય સરકાર વતી ખાતરી આપતા મંત્રીએ જણાવ્યું કે, બજેટના લાભો મેળવવા માટે જનતાએ ખૂબ લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં. મુખ્યમંત્રીએ બજેટની જોગવાઈઓનો લાભ જનતાને ત્વરિત મળે તે માટે ખાસ સૂચનાઓ આપી છે. મુખ્ય સચિવ અને અન્ય સચિવોને ટેન્ડર પ્રક્રિયા સહિતની પ્રાથમિક તૈયારીઓ અત્યારથી જ પૂર્ણ કરવા આદેશો આપવામાં આવ્યા છે, જેથી નાગરિકોને યોજનાકીય લાભ બનતી ત્વરાએ મળે.
મંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, સત્ર દરમિયાન પ્રથમવાર વિધાનસભા પરિસરમાં એક ઐતિહાસિક પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધારાસભ્યશ્રીઓને પ્રાકૃતિક કૃષિની અને હાલના સમયમાં તેની તાતી જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સત્રના સફળ સંચાલન બદલ મંત્રીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ પક્ષના સભ્યઓનો પણ આભાર માન્યો હતો, જેમણે જનતાના પ્રશ્નોને સચોટ રીતે રજૂ કર્યા હતા. અંતમાં, મંત્રીએ પત્રકાર મિત્રો, સચિવાલય સ્ટાફ તેમજ સલામતી સ્ટાફ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
