Gandhinagar News: ‘અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત’ના ધ્યેય સાથે ગુજરાત હંમેશા પરંપરા, આધુનિકતા અને વિકાસના અદભૂત સુમેળનું વૈશ્વિક પ્રતિક રહ્યું છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને આત્મસાત કરતા પીએમ મોદી મોદી 31 માર્ચ, 2026ના રોજ વાવ-થરાદની મુલાકાત દરમિયાન ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ નવી ઊંચાઈ પર લઈ જવા રાણી કી વાવ, વડનગર અને બાલારામમાં કુલ રૂ. 67 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરશે.
આ મુલાકાત વિશેષ એટલા માટે છે કારણ કે રાજ્ય સરકારે વર્ષ 2026ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે જાહેર કર્યું છે, જેનો ઉદ્દેશ્ય ગુજરાતને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પ્રવાસનનું શ્રેષ્ઠ સ્થળ બનાવવાનો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી વર્ષના બજેટમાં ગુજરાતમાં વિશ્વકક્ષાની પ્રવાસન સુવિધાઓ ઊભી કરવા માટે માતબર રકમની જોગવાઈ કરી છે. આ બજેટ હેઠળ રાજ્યના ઐતિહાસિક વારસાના સ્થળોનું અપગ્રેડેશન, યાત્રાધામોમાં આધુનિક સુવિધાઓ, કનેક્ટિવિટી વધારતા રોડ-રસ્તાઓ, દરિયાકિનારાના બીચ ડેવલપમેન્ટ અને પ્રવાસીઓના માર્ગદર્શન માટે કુશળ ગાઈડ સેવાઓ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે.
CM ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે તૈયાર કરાયેલા વિવિધ પ્રકલ્પો રાજ્યની અસ્મિતાને વિશ્વ ફલક પર ચમકાવશે. ‘અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત’ થકી આ અવસર માત્ર ભૌતિક વિકાસનો જ નહીં, પરંતુ ગુજરાતના પ્રાચીન વારસાને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી નવી પેઢી સમક્ષ જીવંત કરવાનો એક ઐતિહાસિક પ્રયાસ છે.
પાટણ ખાતે આવેલી અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવતી ‘રાણી કી વાવ’ હવે પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ બનશે. અહીં આશરે રૂ. 18 કરોડના ખર્ચે અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા પ્રોજેક્શન મેપિંગ વિકસાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા રાણી ઉદયમતિની પ્રેરણાદાયી ગાથા તેમજ આપણા પૂર્વજોની પ્રાચીન જળ વ્યવસ્થાપન પદ્ધતિ અને સ્થાપત્ય કળાનો વૈભવ આધુનિક ટેકનોલોજી દ્વારા સાક્ષાત્કાર પામશે. આ પહેલથી ઐતિહાસિક વારસાને વર્તમાન સમય સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ સફળતા મળશે.
આ સાથે ઐતિહાસિક નગરી વડનગર, જ્યાં ઇતિહાસ માત્ર પુસ્તકોના પાનાઓમાં જ સીમિત નથી પરંતુ દરેક શેરીઓમાં જીવંત અનુભવાય છે, ત્યાં પણ વિકાસની નવી લહેર જોવા મળી રહી છે. વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે અંદાજિત રૂ. ૨૫ કરોડના ખર્ચે વોટર સ્ક્રીન પ્રોજેક્શન શો વિકસાવવામાં આવ્યો છે. સદીઓ પહેલાં અહીં અસ્તિત્વમાં રહેલી જળ સંચય-સંરક્ષણની પદ્ધતિઓ અને વડનગરના ગૌરવશાળી ઇતિહાસને પાણીની સપાટી પર લાઇટ અને સાઉન્ડના સમન્વય સાથે રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શન આપણા પૂર્વજોની વૈજ્ઞાનિક દૃષ્ટિ અને એન્જિનિયરિંગ કુશળતાનો એક ગૌરવપૂર્ણ અનુભવ પૂરો પાડશે. આ પ્રકલ્પોનું વડાપ્રધાનના હસ્તે વાવ- થરાદથી ઇ- લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત, બનાસકાંઠા જિલ્લામાં આવેલું બાલારામ મહાદેવ સ્થાન પ્રાચીન ઇતિહાસ, આધ્યાત્મિકતા અને કુદરતી સૌંદર્યનું અનોખું સંગમ છે. મહાભારત સમય સાથે જોડાયેલી લોકમાન્યતાઓ આ સ્થળને વિશેષ પવિત્રતા આપે છે. અહીં તથા નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવ સ્થળોના સર્વાંગી વિકાસ માટે આશરે રૂ. ૨૫ કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ઘાટ, ફૂડ કિયોસ્ક, પાર્કિંગ, પ્રવેશ દ્વાર, માર્ગ વ્યવસ્થા, ગઝીબો અને અન્ય જરૂરી સુવિધાઓના વિકાસથી આ વિસ્તારને એક સંકલિત આધ્યાત્મિક અને પ્રાકૃતિક પ્રવાસન ગંતવ્ય તરીકે વિકસાવવામાં આવશે.
આ તમામ પ્રયાસો માત્ર ઇમારતો કે સુવિધાઓનું નિર્માણ નથી, પરંતુ આપણા ગૌરવશાળી વારસાને સુરક્ષિત રાખી તેને વિશ્વકક્ષાએ પ્રવાસનના હેતુથી ચમકાવવાનો એક સંકલ્પ છે. વડાપ્રધાનની આ મુલાકાત ગુજરાતને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાં અગ્રીમ સ્થાન અપાવવા માટે એક નિર્ણાયક પગલું સાબિત થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં District Tourism Development Society: ગુજરાત સરકારે પ્રવાસન વિકાસ માટે ખોલ્યો 10 કરોડનો ફંડ ગેટવે
આ પણ વાંચો: ભારતમાં પ્રચલિત થતો નવો શબ્દ શું છે? મુસાફરોને કુદરતી સૌંદર્યનો અહેસાસ કરાવતું….
આ પણ વાંચો: ભારતમાં પ્રચલિત થતો નવો શબ્દ શું છે? મુસાફરોને કુદરતી સૌંદર્યનો અહેસાસ કરાવતું….
