Ahmedabad News : જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર (Jagannath Temple)અમદાવાદ સાથે સંકળાયેલ કરોડોની જમીન વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મંદિર ટ્રસ્ટની અંદાજિત 60 કરોડ રૂપિયાની કિંમતની જમીન વર્ષ 2018માં કોઈ પૂર્વ મંજૂરી વિના એક મુસ્લિમ વેપારીને ખૂબ ઓછી કિંમતમાં વેચી દેવામાં આવી હતી.
આક્ષેપ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1992માં આપવામાં આવેલી બહેરામપુરા સર્વે નં. 138ની લગભગ 1.5 લાખ ચોરસ વાર જમીનમાંથી 28,000 ચોરસ વાર જમીન માત્ર 7 કરોડમાં વેચવામાં આવી, જ્યારે તેની બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા હતી. આ સોદામાં ગેરરીતિ, ઓછી કિંમત અને કાળા નાણાં (બ્લેક મની) લેવાયા હોવાના પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ખરીદનાર તરીકે યાસીનભાઈ ઘાંચીનું નામ સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજએ જણાવ્યું છે કે જમીનનો વિવાદ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને અંતિમ નિર્ણય કોર્ટના ચુકાદા મુજબ લેવામાં આવશે.
“જગન્નાથ મંદિર બચાવો” (Jagannath Temple)અભિયાન પણ શરૂ કરવાની જાહેરાત
આક્ષેપો બાદ સામાજિક કાર્યકરો દ્વારા મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવા, સમગ્ર મામલે SIT દ્વારા તપાસ કરવાની અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તેઓએ વડાપ્રધાનને પત્ર લખવાની સાથે “જગન્નાથ મંદિર બચાવો” અભિયાન પણ શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ મામલે જગન્નાથ મંદિર (Jagannath Temple)ને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ભક્તોમાં પણ ચિંતા અને ચર્ચા વધી છે.
