Crude Oil Price Update: અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાનારી નિર્ણાયક શાંતિ મંત્રણાની અસર અત્યારથી જ ગ્લોબલ માર્કેટ પર જોવા મળી રહી છે. મંત્રણા શરૂ થાય તે પહેલા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જો આ વાટાઘાટો સફળ રહેશે તો ભારત સહિત વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત મળી શકે છે.
Crude Oilની કિંમતોમાં ઐતિહાસિક ઘટાડો
શનિવારે સવારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો નીચે સરકી છે:
WTI ક્રૂડ: 2 ડોલરથી વધુના ઘટાડા સાથે 95.630 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું.
બ્રેંટ ક્રૂડ (Brent Crude): 0.72 ડોલર ઘટીને 95.200 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, ત્યારે કિંમતોમાં 16 ટકાનો ઐતિહાસિક કડાકો બોલાયો હતો, જે છેલ્લા 6 વર્ષની સૌથી નીચી સપાટી હતી.
હોર્મુઝ સ્ટ્રેટ કેમ છે મહત્વનું?
દુનિયાના કુલ ખનીજતેલ સપ્લાયનો અંદાજે 20 ટકા હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની ખાડી) દ્વારા પસાર થાય છે.
શાંતિની આશા: જો મંત્રણા સફળ થાય અને આ દરિયાઈ માર્ગ સુરક્ષિત રીતે ખુલ્લો રહે, તો તેલનો પુરવઠો વધશે અને કિંમતો હજુ નીચે આવશે.
નિષ્ફળતાનું જોખમ: જો વાતચીત નિષ્ફળ જશે અને ઈરાન આ માર્ગ બંધ કરશે, તો ક્રૂડ ઓઈલ (Crude Oil) ફરીથી 100 ડોલરને પાર કરી જશે.
ટ્રમ્પની કડક ચેતવણી
વાતચીતના ટેબલ પર બેસતા પહેલા ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ઈરાન પાસે આ સુવર્ણ તક છે. જો સમજૂતી નહીં થાય, તો અમેરિકા વધુ ઘાતક હથિયારોથી હુમલો કરવા તૈયાર છે. આ નિવેદનને કારણે બજારમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
ભારતના ખિસ્સા પર શું થશે અસર?
ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકા ખનીજતેલ આયાત કરે છે.
વૈશ્વિક બજારમાં ક્રૂડ (Crude Oil) સસ્તું થવાથી ભારતની ઓઈલ કંપનીઓને ફાયદો થાય છે, જેનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો માર્ગ મોકળો બને છે.
જો શાંતિ મંત્રણા સફળ રહેશે, તો આગામી દિવસોમાં ભારતીય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળી શકે છે.
આ પણ વાંચો: મુસાફરોને ઝટકો! એરલાઈન્સે ભાડા વધાર્યા, ઈંધણ મોંઘું પડ્યું

