Business News/ મોંઘવારીનો મોટો ઝટકો! ચૂંટણી પૂરી થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચશે

ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે તેલ કંપનીઓને દરરોજ 1600 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. મેક્વેરી રિપોર્ટ મુજબ, ચૂંટણી બાદ Petrol₹18 અને ડીઝલ ₹35 પ્રતિ લિટર સુધી મોંઘું થઈ શકે છે.

Top Stories Business
Petrol Diesel Price Hike

Petrol Diesel Price Hike: સામાન્ય જનતા માટે આગામી દિવસો આર્થિક રીતે ભારે પડી શકે છે. જેનો ડર હતો તે જ થવા જઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. એક આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મના રિપોર્ટ મુજબ, પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવી શકે છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹18 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹35 સુધીનો તોતિંગ વધારો થઈ શકે છે.

ઓઈલ કંપનીઓને દરરોજ ₹1,600 કરોડનું નુકસાન

વિદેશી બ્રોકરેજ ફર્મ ‘મેક્વેરી’ના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર રાખવામાં આવ્યા છે. આ સ્થિતિને કારણે તેલ કંપનીઓને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. હાલમાં કંપનીઓ પેટ્રોલ પર પ્રતિ લિટર ₹18 અને ડીઝલ પર ₹35નું નુકસાન સહન કરી રહી છે. એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડા બાદ પણ કંપનીઓની કુલ ખોટ દરરોજ 1,600 કરોડ રૂપિયા જેટલી થાય છે.

46 દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં $27નો ઉછાળો 

ક્રૂડ ઓઈલના ભાવમાં છેલ્લા દોઢ મહિનામાં ભારે અસ્થિરતા જોવા મળી છે:

  • 27 ફેબ્રુઆરી: $73 પ્રતિ બેરલ
  • 19 માર્ચ: $120 પ્રતિ બેરલ (પીક લેવલ)
  • વર્તમાન ભાવ: $100 પ્રતિ બેરલની આસપાસ

ભારત પોતાની જરૂરિયાતનું 88 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. રશિયા અને મિડલ ઈસ્ટના દેશો પર નિર્ભરતા હોવાને કારણે આંતરરાષ્ટ્રીય ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિની સીધી અસર ભારતના ખિસ્સા પર પડે છે.

GDP અને સરકારની આવક પર પણ દબાણ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ માત્ર વાહનચાલકો જ નહીં, પણ દેશની જીડીપી (GDP) પર પણ નકારાત્મક અસર કરી શકે છે. સરકારની આવકમાં એક્સાઈઝ ડ્યૂટીનો હિસ્સો 2017માં 22% હતો જે હવે ઘટીને 8% રહી ગયો છે. જો સરકાર એક્સાઈઝ ડ્યૂટી હટાવી લે તો પણ કંપનીઓનું નુકસાન ભરપાઈ કરવું મુશ્કેલ છે. પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળ જેવા પડોશી દેશોમાં પણ તેલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ભારત પણ હવે આ ભાવવધારાથી બચી શકે તેમ નથી.

ચૂંટણી પૂર્ણ થતા જ ઓઈલ કંપનીઓ આ ખોટ સરભર કરવા માટે ગમે ત્યારે ભાવવધારાનું બ્યુગલ ફૂંકી શકે છે, જેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન અને શાકભાજી જેવી જીવનજરૂરી વસ્તુઓના ભાવ પર પણ પડશે.


આ પણ વાંચો: ડીઝલ પર એક્સપોર્ટ ડ્યુટીમાં 34 રૂપિયાનો જંગી વધારો, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ પર શું થશે અસર?