Gandhinagar News/ અંતિમ માનવીનો વિકાસ એ જ રાષ્ટ્રસેવા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

બાબાસાહેબે સૌને સમાન તક અને સામાજિક ન્યાયથી નારી શક્તિ સહિત સૌના વિકાસ(Development)ની હિમાયત કરી

Gujarat Gandhinagar
આજે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'અંત્યોદય'ના વિચાર સાથે છેવાડાના માનવી સુધી વિકાસ(Development) પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે

Gandhinagar News : બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતિના પાવન અવસરે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)ની અધ્યક્ષતામાં આજે લોકભવન-ગાંધીનગર ખાતે “સામાજિક સમરસતા મહોત્સવ” યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાબાસાહેબ આંબેડકરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, બાબા સાહેબે માત્ર બંધારણનું નિર્માણ જ નહીં, પરંતુ દેશની આધુનિક પ્રગતિ અને સામાજિક ન્યાયનો મજબૂત પાયો નાખ્યો છે. બાબા સાહેબે ભગવાન બુદ્ધના “ભવતુ સબ્બ મંગલમ્”ના સિદ્ધાંતને અનુસરીને સમતાવાદી સમાજ રચવા ‘સમતા’ સમાચાર પત્ર દ્વારા જનજાગૃતિ ફેલાવી હતી.

રાષ્ટ્રપતિએ સામાજિક સમરસતા, શિક્ષણ અને આત્મનિર્ભરતા પર ભાર મૂકતા કહ્યું હતું કે, સમાજના અંતિમ છેવાડાના માનવીને મુખ્યધારામાં લાવવો એ જ સાચી રાષ્ટ્રસેવા (Service To Nation)છે. બાબા સાહેબે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરેલા ‘પ્રતિષ્ઠા અને તકની સમાનતા’ શબ્દ જ આપણું અંતિમ લક્ષ્ય છે.

બાબા સાહેબના “શિક્ષિત બનો”ના સંદેશ પર ભાર મૂકતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, શિક્ષણ જ વિકાસ(Development)ની સાચી ચાવી છે. બંધારણમાં શિક્ષણને મૌલિક અધિકારનો દરજ્જો આપવામાં આવ્યો છે. ખાસ કરીને વંચિત અને પછાત વર્ગોના લોકો પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા પ્રેરાય તે સૌની સહિયારી જવાબદારી છે. તેમણે નૈતિક શિક્ષણ દ્વારા સામાજિક સમરસતાના ભાવને મજબૂત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

રાષ્ટ્રપતિએ ગામડાંઓને ભારતીય સંસ્કૃતિના વાહક ગણાવતા કહ્યું કે, દેશનો આત્મા ગામડાઓમાં વસે છે. સમરસ ભારતીય સમાજનું નિર્માણ સમરસ ગામડાંઓ વગર શક્ય નથી. ગામડાઓમાં આજે પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવોથી ઉપર ઉઠીને જે પરસ્પર સ્નેહ અને સૌહાર્દ જોવા મળે છે, તે જ સાચી ભારતીયતા છે. જ્યારે ગામડાં આત્મનિર્ભર અને સુવિધાયુક્ત બનશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં વિકસિત(Development) બનશે.

પોતાના પિતાજીના બોધપાઠને યાદ કરતા રાષ્ટ્રપતિએ ભાવુક થતા જણાવ્યું હતું કે, જ્યારે હું ભણતી હતી ત્યારે મારા પિતા કહેતા કે – ગમે તેટલા મોટા બનો, પણ હંમેશા વળીને એ જરૂર જોજો કે કોઈ જરૂરિયાતમંદ પાછળ ન રહી જાય. તમારી વ્યક્તિગત સફળતા ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે તે સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં કામ આવે.

ગુજરાતના ડેરી ઉદ્યોગ અને પશુપાલકોના પરિશ્રમની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે, જેમાં ગુજરાતની સહકારી સંસ્થાઓ તથા પશુપાલકોની ભૂમિકા અગ્રણી છે. તેમણે ઓડિશામાં પશુપાલન મંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન ‘ગૌ-મિત્ર’ પદના સર્જન અને ગૌ-સેવા દ્વારા રોજગારી વધારવાના પ્રયોગોના સંસ્મરણો પણ આ તકે વાગોળ્યા હતા.

રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાતમાં ચાલી રહેલા સામાજિક સમરસતાયુક્ત સર્વસમાવેશી વિકાસ(Development)ના પ્રયાસો માટે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાતના લોકો પોતાની મહેનતથી રાજ્યને સંપૂર્ણપણે વિકસિત(Development) અને આત્મનિર્ભર બનાવશે. સામાજિક લોકશાહીને જીવન પદ્ધતિ તરીકે અપનાવીને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂલ્યોને જીવંત રાખવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતિના અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિને ગૌરવપૂર્ણ ગણાવતા જણાવ્યું હતું કે, તેમનું જીવન સંઘર્ષ અને તપસ્યાનું પ્રતીક છે. ખાસ કરીને આદિવાસી સમાજમાં શિક્ષણનો રાહ ચીંધીને તેમણે દીકરીઓ માટે પથપ્રદર્શકનું કાર્ય કર્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે શિક્ષણનો રસ્તો અપનાવીને તેમજ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવી ભારતના બંધારણના નિર્માણ દ્વારા શોષિતો અને વંચિતોને નવી દિશા આપી હતી. બાબાસાહેબનું સ્પષ્ટ માનવું હતું કે ન્યાય, ભાઈચારો અને સમરસતા જ રાષ્ટ્રને મજબૂત બનાવે છે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘અંત્યોદય’ના વિચાર સાથે છેવાડાના માનવી સુધી વિકાસ(Development) પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે

વેદો અને શાસ્ત્રોનો સંદર્ભ આપતા રાજ્યપાલએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવને કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે, સમય જતાં સમાજમાં પ્રવેશેલા કુરિવાજોને દૂર કરવા સ્વામી દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી અને જ્યોતિબા ફૂલે જેવા મહાપુરુષોએ અનેક કાર્યો કર્યા હતા. આજે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘અંત્યોદય’ના વિચાર સાથે છેવાડાના માનવી સુધી વિકાસ(Development) પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે, જેથી ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર અને વિકસિત બની શકે.

રાજ્યપાલએ પોતાના સંકલ્પ વિશે વાત કરતા જણાવ્યું કે, તેઓ ગુજરાતના 267 તાલુકાઓમાં જઈ ગામડાઓમાં રાત્રિ રોકાણ કરી જનસંવાદ કરશે. આ ઉપરાંત વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ’ અને સ્વચ્છતા અભિયાન થકી ગામડાઓની કાયાકલ્પ કરવાનું તેમનું લક્ષ્ય છે.

વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ  શંકર ચૌધરીના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં શહેર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તેમણે રાજકોટ જિલ્લાના લૂણીવાવ ગામના ગરીબ પરિવાર સાથે ભોજન લેવાના પ્રસંગને યાદ કરી ઉમેર્યું કે હૃદયથી હૃદયનું જોડાણ એ જ સાચી સમરસતા છે.

અંતમાં રાજ્યપાલએ આહવાન કર્યું કે, આપણે સૌ એક જ ઈશ્વરના સંતાન તરીકે ભાઈચારો અને પરસ્પર આદર કેળવીએ. બાબાસાહેબ આંબેડકરના સપનાને પૂર્ણ કરવા એકજૂથ અને સશક્ત ભારત બનાવવા માટે સામાજિક સમરસતા અનિવાર્ય છે. જ્યારે સમાજમાં ઊંચ-નીચના ભેદ દૂર થશે અને દરેક નાગરિકને સમાન સન્માન મળશે, ત્યારે જ બાબાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી ગણાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીએ લોકભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)ની ઉપસ્થિતિમાં યોજાયેલો સામાજિક સમરસતા મહોત્સવ બંધુતા, ભાઈચારા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતને સુદ્રઢ કરતો ગણાવ્યો હતો. તેમણે ડો. આંબેડકરજીને કૃતજ્ઞતાપૂર્વક ભાવાંજલિ આપતા ઉમેર્યું કે, બાબાસાહેબે સૌને સમાન તક અને સામાજિક ન્યાયથી નારી શક્તિ સહિત સૌના વિકાસની હિમાયત કરી હતી. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ડો. આંબેડકરજીના એ જ વિચારને સાકાર કરવા નારી શક્તિને શાસન ભાગીદારીમાં વધુ તક આપવા નારી શક્તિ વંદન અધિનિયમ માટે પ્રતિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં કહ્યું કે 16 એપ્રિલે યોજાનારા સંસદના વિશેશ સત્રને સુસંગત સૌ કોઈ નારી શક્તિ વંદન અધિનિયમનું સમર્થન કરીને વિકસિત(Development) ભારતના નિર્માણમાં નારી શક્તિના વધુને વધુ યોગદાનને પ્રેરિત કરે. તેમણે ડો. બાબા સાહેબે સમાનતા અને સમરસતાનો વ્યાપ વધારવામાં આપેલા મહત્વપૂર્ણ પ્રદાનનું પણ સ્મરણ કર્યું હતું.

મુખ્યમંત્રી ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવિધાનની વંદના સાથે શાસનદાયિત્વ સંભાળીને દલિત, પીડીત, શોષિત, વંચિતના કલ્યાણને પ્રાથમિકતા આપી છે.

મુદ્રા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જન ધન યોજના, પીએમ સ્વામિત્વ યોજના જેવી અનેક જનહિત યોજનાઓની સૌથી વધુ લાભાર્થી વંચિત , પીડિત, શોષિત સમુદાયના છે તેમ પણ  ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ સામાજિક સમરસતા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 267 તાલુકાના ગામોમાં રાત્રિ રોકાણ, જનસંવાદ અને વંચિત પરિવરને ત્યાં ભોજનની કરેલી પહેલની સરાહના કરી હતી.

એટલું જ નહીં આ ગામોમાં રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન જેવા જનજાગૃતિ અભિયાનમાં લોકોને જોડીને સામાજિક સમરસતા સાથે પર્યાવરણ રક્ષણની પણ પ્રેરણા આપી છે તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે પણ વંચિતોના વિકાસ અને સર્વગ્રાહી કલ્યાણ માટે કાર્યરત કરેલી યોજનાઓની સફળતાની ભૂમિકા આપી હતી.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047નો આપેલો સંકલ્પ સામાજિક સમરસતાને વેગ આપીને પાર પાડવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીની ભૂપેન્દ્ર પટેલ દર્શાવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાતની આ પુણ્યધરા હંમેશા સામાજિક ન્યાય અને સમરસતાની સાક્ષી રહી છે. ડો. બાબાસાહેબ આંબેડકરની જયંતીના પાવન અવસરે આયોજિત આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મૂ(Draupadi Murmu)ની ઉપસ્થિતિ પ્રત્યેક નાગરિક માટે આશાનું કિરણ બની છે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું હતું કે તેમણે મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ‘સંવિધાન ગૌરવ યાત્રા’ અને ‘કન્યા કેળવણી’ જેવા અભિયાનો દ્વારા સમરસતાને આધુનિક સ્વરૂપ આપ્યું છે. આ પ્રસંગે સંઘવીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અભિગમની પ્રશંસા કરતા ઉમેર્યું કે, તેઓ પોતે સામાન્ય નાગરિકની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરી ગામડાં સુધી પહોંચે છે, અને ગરીબ પરિવારો સાથે સમય વિતાવી તેમની ચિંતા કરે છે, જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર સમાજના તમામ વર્ગના સમાન–સર્વાંગીણ વિકાસ (Development)માટે કટિબદ્ધ હોવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી  પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી ડો. મનીષાબેન વકીલ, ગુજરાતના ગામડાઓમાંથી પધારેલા નાગરિકો અને તેમના પરિવારજનો ઉપરાંત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો :રાજ્યભરમાં ડો.બાબાસાહેબની જન્મજયંતી ઉજવાઇ, અમુક વિસ્તારમાં સર્જાયું ઘર્ષણ

આ પણ વાંચો :સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું એકતા નગર તરફ ભવ્ય પ્રસ્થાન

આ પણ વાંચો :ભાજપના 43માં સ્થાપના દિનની ઉજવણીની ભવ્ય તૈયારીઓઃ પીએમ મોદી લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ ફૂંકશે