Ahmedabad News:અમદાવાદ શહેરના રેસ્ટોરન્ટ્સ, સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ અને ખાદ્ય પદાર્થોના બજારોમાં ગંદકી, અસ્વચ્છતા અને ખતરનાક ભેળસેળનું વ્યાપક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પનીરના નામે વેજીટેબલ ફેટ અને સ્ટાર્ચથી બનેલા એનલોગ પનીર વેચવું, કાળા તેલ અને ગંદા પાણીમાં પાણીપુરી તૈયાર કરવી, રોટેન સામગ્રીનો ઉપયોગ આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે, જે જનતાના આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી રહી છે.આ બધા વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગની કામગીરીને લઈને હવે મ્યુનિસિપલ કમિશનર પોતે સવાલો ઉઠાવી રહ્યા છે. મીડિયામાં હોબાળો થાય ત્યારે જ વિભાગ સક્રિય બને છે, નહીંતર તે માત્ર નિષ્ક્રિય જોવાઈ રહ્યો છે.

AMCના ફૂડ વિભાગની કામગીરી
રાજ્યના અન્ય મોટા શહેરોમાં સ્થિતિ જુદી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગો નિયમિત, આક્રમક ચેકિંગ, પારદર્શક કાર્યવાહી અને ત્વરિત દંડ માટે જાણીતા છે. સુરતમાં તો ફેક પનીરના મોટા રેકેટ પર દરોડા પાડીને હજારો કિલો સામગ્રી જપ્ત કરવામાં આવી છે. તેની સરખામણીમાં અમદાવાદનો AMC ફૂડ વિભાગ નોંધપાત્ર રીતે નબળો સાબિત થઈ રહ્યો છે. શહેરમાં આધુનિક લેબોરેટરી અને પૂરતા સ્ટાફ હોવા છતાં કામગીરી રાજ્યમાં છેલ્લી હરોળમાં આવે તેટલી કંગાળ છે, એવું મ્યુનિસિપલ સૂત્રો પોતે માને છે.

જાન્યુઆરીથી માર્ચ 2026 સુધીમાં AMCના ફૂડ વિભાગે 2,049 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા, જેમાંથી 74 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા. આ સામે કાર્યવાહી કરવામાં આવી, પરંતુ વસૂલ કરાયેલા દંડની કુલ રકમ અને કયા આધારે સીલ કરેલી જગ્યાઓ ફરી ખોલવામાં આવી તેની વિગતો જાહેર કરવામાં આવતી નથી.
એપ્રિલ 2026માં જ પનીરની તપાસમાં 244 કિલો સબસ્ટાન્ડર્ડ પનીર જપ્ત કરવામાં આવ્યું અને બે રેસ્ટોરન્ટ્સને સીલ કરવામાં આવ્યા. ફેબ્રુઆરીમાં 10 જેટલા મોટા ફૂડ જોઈન્ટ્સમાંથી એનલોગ પનીર મળી આવ્યું. જાન્યુઆરીમાં પાણીપુરી વેન્ડર્સ પર કાર્યવાહીમાં 291 લોરીઓ બંધ કરવી પડી.આમ છતાં, વિભાગની કામગીરીને લઈને અસંતોષ વ્યાપક છે.
