Ahmedabad News/ નકલી પનીરનો મોટો પર્દાફાશ! અમદાવાદમાં ‘શક્તિ સેન્ડવિચ’ અને ‘હાઉસ ઓફ મોમોસ’ સહિત 17 રેસ્ટોરન્ટને દંડ

ગુજરાત FDCA દ્વારા Ahmedabadમાં નકલી પનીર મામલે મેગા ડ્રાઈવ. શક્તિ સેન્ડવિચ, હાઉસ ઓફ મોમોસ સહિત 17 હોટલને દંડ. 615 કિલો શંકાસ્પદ ખાદ્યપદાર્થનો નાશ

Top Stories Ahmedabad Gujarat
Fake Paneer in Ahmedabad

Fake Paneer in Ahmedabad: વીકએન્ડમાં કે રજાના દિવસે બહાર હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરનું શાક કે પનીરની આઈટમ ખાવાના શોખીનો માટે એક લાલબત્તી સમાન સમાચાર છે. તમે જે મોંઘા ભાવનું પનીર ખાઈ રહ્યા છો, તે અસલી છે કે નકલી ‘એનાલોગ પનીર’ (Paneer Analogue) તે અંગે ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) એ કડક કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રાહકોને અસલી પનીરના નામે નકલી પનીર પધરાવતા અથવા તે અંગેનું ડિસ્પ્લે બોર્ડ ન લગાવતા અમદાવાદના 17 જેટલા જાણીતા ફૂડ આઉટલેટ્સ અને રેસ્ટોરન્ટ્સને દંડ ફટકારવામાં આવ્યો છે.

Ahmedabad: નિયમોનો ભંગ અને FDCA ની લાલ આંખ

નિયમ મુજબ, જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં ડેરી પનીરની જગ્યાએ સસ્તા ‘એનાલોગ પનીર’ (વનસ્પતિ તેલ અને અન્ય પદાર્થોમાંથી બનેલું કૃત્રિમ પનીર) નો ઉપયોગ થતો હોય, તો ગ્રાહકોની જાણ માટે ત્યાં સ્પષ્ટ ડિસ્પ્લે બોર્ડ લગાવવું ફરજિયાત છે. પરંતુ, આ નિયમનો ઉલાળિયો કરનારા એકમો સામે FDCA એ મેગા ડ્રાઈવ ચલાવીને દંડ વસૂલ્યો છે.

અમદાવાદના કયા એકમોને ફટકારાયો દંડ?

આ ચેકિંગ દરમિયાન મણિનગરથી લઈને નવરંગપુરા સુધીની જાણીતી ખાણીપીણીની દુકાનો ઝપેટમાં આવી છે:

  • શ્રી બાલાજી વેફર્સ, જોધપુર: ₹25,000 (સૌથી વધુ દંડ)
  • લા ફિએસ્ટા રેસ્ટોરન્ટ, નિકોલ: ₹8,000
  • લપિસ્ટા રેસ્ટોરન્ટ, નિકોલ: ₹8,000
  • પ્રાચી ફૂડ્સ – શક્તિ સેન્ડવિચ (રામબાગ, મણિનગર): ₹5,000
  • સંજયભાઈ ગોરધનભાઈ પ્રજાપતિની હોટલ: ₹5,000
  • નિક્કી ફૂડ્સ (જયહિંદ ક્રોસરોડ, મણિનગર): ₹5,000
  • કિરણ ક્રાફ્ટ પ્રાઈવેટ લિમિટેડ, મકરબા: ₹5,000
  • HRPL રેસ્ટોરન્ટ પ્રા. લિ. (સ્ટેડિયમ કોમ્પ્લેક્સ, નવરંગપુરા): ₹5,000
  • પંજાબી તડકા રેસ્ટોરન્ટ (શિવરંજની, મણિનગર): ₹3,000
  • બહુચર ભાજીપાંઉ એન્ડ પુલાવ (ઉત્તમનગર, મણિનગર): ₹3,000
  • રેકટક પિઝા, પાંજરાપોળ: ₹3,000
  • હાઉસ ઓફ મોમોસ, મણિનગર: ₹2,000
  • મોમોસ હાઉસ (રામબાગ, મણિનગર): ₹2,000
  • હોટલ પીઠેરીયા, નવરંગપુરા: ₹2,000
  • ભૈરવનાથ ભોજનાલય, CTM: ₹2,000
  • મોઈન સમોસા, જમાલપુર: ₹1,000
  • દેવનંદન ટી સ્ટોલ, મીઠાખળી: ₹1,000

615 કિલો શંકાસ્પદ જથ્થો નાશ કરાયો

ફક્ત અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં આ મેગા ડ્રાઈવ ચાલી રહી છે. રાજ્યભરમાં એક જ દિવસમાં કુલ 347 જેટલા એકમો (હોટલ, રેસ્ટોરન્ટ અને રોડસાઇડ લારીઓ) નું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અધિકારીઓએ 615 કિલો જેટલો શંકાસ્પદ અને નિયમો વિરુદ્ધનો ખાદ્ય પદાર્થ જપ્ત કરી તેનો નાશ કર્યો છે.

આ કાર્યવાહીમાં સુરત મહાનગરપાલિકા વિસ્તારમાંથી ₹52,300 અને રાજકોટમાંથી ₹3,500 નો દંડ વસૂલવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ ₹1,40,800 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગ્રાહક જાગૃતિનો સંદેશ

FDCA દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ ખાદ્યપદાર્થોના વેચાણમાં પારદર્શિતા લાવવાનો અને ગ્રાહકોને પનીરના નામે ગેરમાર્ગે દોરતા અટકાવવાનો છે. તમારા સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે બહાર જમતા પહેલા ખાદ્યપદાર્થની ગુણવત્તા બાબતે સજાગ રહેવું જરૂરી છે.


આ પણ વાંચોઃ ઉધના-પુણામાં નકલી પનીર અને ભેળસેળવાળા માવાનો મોટો જથ્થો જપ્ત

આ પણ વાંચો: સુરતમાં ફરી એકવાર શંકાસ્પદ નકલી પનીર મળી આવ્યું, આરોગ્ય વિભાગના દરોડા યથાવત

આ પણ વાંચો: સુરભી ડેરીમાં ઘીમાં એસિડ ભેળવીને નકલી પનીર તૈયાર કરાતુ હતું