Ahmedabad News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં મોટાપાયા પર ઇંધણ બચત કરવાનુ આહવાન કર્યુ છે. મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે સપ્લાય ચેઇનમાં અવરોધ આવતા તેમણે આ આહવાન કર્યુ છે. ભારત તેની કુલ જરૂરિયાતના 88 ટકા ઇંધણની આયાત કરે છે. હવે વડાપ્રધાને આહવાન તો કર્યુ, પરંતુ આપણે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ(મનપા)ના પેટ્રોલ-ડીઝલ પાછળનું બિલ જ જોઈએ તો આપણને ચક્કર આવી જાય.
ઉદાહરણ તરીકે જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગયા વર્ષે 16 કરોડ રૂપિયા તો પેટ્રોલ-ડીઝલ પાછળ જ ફૂંકી માર્યા હતા. આ જ રીતે રાજકોટ મહાનગરપાલિકાએ 12 કરોડ રૂપિયાનું આંધણ પેટ્રોલ-ડીઝલ પાછળ કર્યુ હતું વડોદરા મહાનગરપાલિકા પણ કેમ પાછળ રહે, તેણે પણ ગયા નાણાકીય વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પાછળ લગભગ 20 કરોડ રૂપિયાથી પણ વધૂ રકમનું આંધણ કર્યુ હતુ.
15 મનપાનું બિલ જ 150 કરોડ રૂપિયાથી વધુ
રાજ્યની આવી 15 મહાનગરપાલિકાઓ છે, તેથી તેનું પેટ્રોલ-ડીઝલનું બિલ આરામથી 150 કરોડ રૂપિયાને વટાવી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે આમાની ઘણી મનપાઓ ઉપરાંત કેટલીય નગરપાલિકાઓ સરદાર સરોવર નિગમને પાણીના જથ્થાની રકમની ચૂકવણી કરતી નથી, પરંતુ પેટ્રોલ-ડીઝલ પાછળ આંધણ ચોક્કસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો આજે અપીલ કરી, પરંતુ આ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ વર્ષે દહાડે લોકોની પરસેવાની કમાણીના કરોડો રૂપિયા આ પ્રકારે પેટ્રોલ-ડીઝલ પાછળ જ ફૂંકી મારે છે. હવે આ તો ફક્ત મહાનગરપાલિકાઓની જ વાત થઈ, હવે તેમા 84 નગરપાલિકાઓનો ઉમેરો કરવામાં આવે તો સંયુક્ત બિલ આરામથી 600થી 700 કરોડ રૂપિયાને વટાવી જાય છે.
આ સમયે આ મનપા અને નગરપાલિકાને ખબર પડતી નથી કે દેશમાં પેટ્રોલ-ડીઝલના કૂવા નથી, તેની આયાત કરવામાં આવે છે. તેથી તેનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવામાં આવે. બધા માટે વડાપ્રધાન મોદી અપીલ કરે પછી જ દોડાદોડ કરવાની, તે પહેલા તેઓ જાતે વિચારીને નિર્ણય ન લઈ શકે. આ તો પ્રજાના રૂપિયા એટલે કોના બાપની દીવાળી એવો જ ઘાટ થયો. કોઈ ટોચ પરથી ઠમઠોરે પછી જ જાગવું તે જાણે તંત્રનો નિયમ થઈ ગયો લાગે છે. હવે પીએમ મોદીએ અપીલ કરી છે તે પછી પણ તંત્ર વાસ્તવમાં કરકસર કરવાનું છે કે કરકસરનો દેખાડો કરવાનું છે તેની આગામી દિવસોમાં ચોક્કસ ખબર પડશે. પ્રજા તો પીએમની અપીલનું પાલન કરીને તરત પગલાં લેવા માંડે છે, પરંતુ તંત્ર કોઈની અપીલ કે અહેસાસ કે અનુભવથી નથી જાગતુ, તેને તો પરિપત્ર વગર કશાનો અમલ કરવાની ટેવ નથી. હવે શું આવું પીએમની અપીલના કિસ્સામાં પણ થશે. તંત્ર તેમની અપીલ પર કામ કરશે કે પછી અહીં પણ પરિપત્રની રાહ જોઈને બેસી રહેશે.
