Mahesana News: મહેસાણા મનપાની પ્રથમ બેઠકમાં જ કોર્પોરેટરોના પતિઓ મેદાનમાં આવી ગયા છે. મોઢેરા રોડ કામગીરીના નિરીક્ષણમા મહિલા કોર્પોરેટરો નહીં પણ તેમના પતિઓ પહોંચ્યા હતા. હવે આ પ્રકારના પ્રોક્સી કોર્પોરેટરની પ્રથમ કદાચ ગુજરાતમાં જ જોવા મળતી હશે.

સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલે વોર્ડના કોર્પોરેટરોને નિરીક્ષણ માટે બોલાવ્યા હતા. કોર્પોરેટર જલ્પા પટેલ અને ભાવના પટેલના બદલે તેમના પતિઓ હાજર રહ્યા હતા. આમ 50 ટકા મહિલા અનામતની વાત તો થાય છે, પરંતુ વહીવટ તો છેવટે પુરુષો એટલે કે આ કોર્પોરેટરોના પતિઓના જ હાથમાં હોય છે. આ સંજોગોમાં મહિલા અનામતના અમલીકરણ પછી પણ સ્થિતિ જૈસે થે તેવી રહેવાની સંભાવના છે.

આ મીટિંગમાં ચોમાસા પહેલા વરસાદી પાણીની લાઇન પૂરી કરવાની સૂચના સ્થાનિક ધારાસભ્યની આગેવાની હેઠળ કોર્પોરેટરોએ આપી હતી. મહિલા કોર્પોરેટરોના પતિઓની હાજરી જોઈને શાસક પક્ષના અનેક કોર્પોરેટરો ચોંકી ગયા હતા. આ રીતે કોર્પોરેટરોના બદલે તેમના પતિની હાજરીને લઈને સ્થાનિક ધારાસભ્યએ નારાજગી પણ વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે પક્ષ ચોક્કસપણે આ પ્રકારની ઘટનાની નોંધ લેશે અને આ આખા પ્રકરણની વિગતો હાઈ કમાન્ડને પણ મોકલી આપવામાં આવશે. તેની સાથે કેટલા કોર્પોરેટરો પોતે આવવાના બદલે તેમના પતિને મોકલે છે તેની યાદી પણ હાઈ કમાન્ડને સુપ્રદ કરવામાં આવશે.
